
આઇપીએલ 2023માં અત્યાર સુધી 35 મેચ રમાઇ છે. એટલે કે આઇપીએલ 2023ની અડધી સીઝન પૂર્ણ થઇ છે. 4 વખતની વિજેતા ટીમ ચેન્નઇ સુપર કિંગ્સ પોઇન્ટ ટેબલમાં ટોપ પર છે. તેણે અત્યાર સુધી રમાયેલ 7 માંથી 5 મેચમાં જીત મેળવી છે. ડિફેન્ડીંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સના પણ 7 મેચમાં 10 પોઇન્ટ છે, પણ નેટ રનરેટના કારણે સીએસકેની ટીમ ટોચ પર છે. 4 ટીમોના 8-8 પાઇન્ટ છે. રાજસ્થાન રોયલ્સ ત્રીજા તો લખનૌ સુપર જાયન્ટસ ચોથા સ્થાન પર છે.

આઇપીએલના પોઇન્ટ ટેબલની ટોપ 4 ટીમોને જ આઇપીએલ પ્લેઓફમાં સ્થાન મળે છે. આવામાં ટેબલની નીચેની 6 ટીમોએ પ્રદર્શનમાં સુધાર કરવો પડશે. રોયલ ચેલેન્જર્સ બેંગલોર 8 પોઇન્ટ સાથે 5માં જ્યારે પંજાબ 8 પોઇન્ટ સાથે છઠ્ઠા નંબર પર છે. તમામ 10 ટીમોએ 7-7 મેચ રમી છે. 5 વખતની વિજેતા મુંબઇ 6 પોઇન્ટ સાથે 7માં, 2 વખતની ચેમ્પિયન કેકેઆર 4 પોઇન્ટ સાથે 8માં, એક વખતની ચેમ્પિયન હૈદરાબાદ 4 પોઇન્ટ સાથે 9માં અને દિલ્હી કેપિટલ્સ 4 પોઇન્ટ સાથે 10માં સ્થાન પર છે.

મુંબઇ, કેકેઆર અને હૈદરાબાદે કુલ મળીને 8 આઇપીએલ જીત્યા છે, પણ આ ટીમ ટોપ-4 માં નથી. હૈદરાબાદ, કેકેઆર અને દિલ્હીનું આઇપીએલ પ્લેઓફમાં પહોંચવું મુશ્કેલ છે. ગુજરાત અને સીએસકેની પ્લેઓફની રાહ થોડી સરળ દેખાઇ રહી છે.

ચેન્નઇ સુપર કિંગ્સ 2022ના આઇપીએલમાં ખાસ પ્રદર્શન કરી શકી ન હતી. ટીમે 14 મેચમાંથી 4 મેચમાં જ જીત મેળવી હતી અને પોઇન્ટ ટેબલ પર 9માં સ્થાન પર રહી હતી. મુંબઇની ટીમ ઇજાઓના કારણે આઇપીએલ 2023માં ખાસ અસર કરી શકી નથી.

આઇપીએલ 2023ની રનર અપ ટીમ રાજસ્થાન રોયલ્સે સારી શરૂઆત કરી છે. પણ છેલ્લી 2 મેચમાં રોમાંચક સ્થિતિમાં તેને હારનો સામનો કરવો પડયો છે. લખનૌએ તેને 10 રનથી તો આરસીબીએ તેને 7 રનથી હરાવ્યો હતો. આઇપીએલમાં 36મી મેચમાં આજે આરસીબી અને કેકેઆર વચ્ચે મેચ રમાવાની છે. આરસીબીના કેપ્ટન ફાફ ડુપ્લેસી અને વિરાટ કોહલી શાનદાર ફોર્મમાં ચાલી રહ્યા છે.