
અશ્વિને તેની કારકિર્દીના શરૂઆતના દિવસોમાં ઓપનિંગ કર્યું હતું. ઓપનર અને મીડિયમ પેસર તરીકે કારકિર્દીની શરૂઆત કરનાર અશ્વિનના બાળપણના કોચ સીકે વિજયે તેને ઓફ સ્પિનર બનવાની સલાહ આપી હતી. અશ્વિનની ઊંચાઈ 6 ફૂટ 2 ઈંચ છે અને તેને ધ્યાનમાં રાખીને વિજયે તેને ઓફ સ્પિન કરવાની સલાહ આપી હતી. બીજું કારણ એ છે કે અશ્વિન અંડર-16 ક્રિકેટના દિવસોમાં એક મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. પછી તેને સ્પિન બોલિંગમાં હાથ અજમાવવાનું સૂચન કરવામાં આવ્યું કારણ કે તેને દોડવામાં તકલીફ પડતી હતી.

અશ્વિને 2006માં હરિયાણા સામે તેની કરિયરની પ્રથમ હોમ મેચ રમી હતી અને શાનદાર પ્રદર્શન કર્યું હતું. અશ્વિને તે મેચમાં 6 વિકેટ લીધી હતી અને તેની કારકિર્દીની શાનદાર શરૂઆત કરી હતી. 2010માં ઝિમ્બાબ્વે સામે વન-ડેમાં ડેબ્યૂ કરીને તેણે 2 વિકેટ ઝડપી હતી. અશ્વિને અત્યાર સુધી 113 વનડે મેચમાં 151 અને 94 ટેસ્ટમાં 489 વિકેટ ઝડપી છે. આ સિવાય 65 T20 ઇન્ટરનેશનલ મેચમાં તેના નામે 72 વિકેટ છે.

રવિચંદ્રન અશ્વિને વર્ષ 2011માં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું અને પોતાના પ્રદર્શનથી બધાને ચોંકાવી દીધા હતા. તેણે વેસ્ટ ઈન્ડિઝ સામે દિલ્હીમાં રમાયેલી ટેસ્ટ મેચમાં કુલ 9 વિકેટ લીધી હતી. અશ્વિને પ્રથમ દાવમાં 3 અને બીજી ઈનિંગમાં 6 વિકેટ ઝડપી હતી. તેને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો. તે 2011માં વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમનો પણ ભાગ હતો.ચેન્નાઈનો રહેવાસી રવિચંદ્રન અશ્વિન ટેસ્ટમાં 5 વિકેટ લેનાર અને સદી ફટકારનાર ત્રીજા ભારતીય ખેલાડી છે. તેણે 2011માં વેસ્ટ ઈન્ડિઝ સામેની તેની ત્રીજી ટેસ્ટ મેચમાં 5 વિકેટ લઈને 103 રન બનાવીને આ સિદ્ધિ મેળવી હતી. અશ્વિને ટેસ્ટમાં 34 વખત 5 વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરી છે, જે ટેસ્ટમાં કોઈપણ ભારતીય દ્વારા બીજી સર્વશ્રેષ્ઠ છે.