અંડર-19 વર્લ્ડ કપ જીતવાની મોટી દાવેદાર મનાતી ટીમ ઈન્ડિયા (Team India) મુશ્કેલીમાં છે. આયર્લેન્ડ સામેની મેચ પહેલા ટીમ ઈન્ડિયાના 6 ખેલાડીઓને કોરોના થયો છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે કેપ્ટન યશ ઢૂલ, વાઈસ-કેપ્ટન એસકે રશીદ સહિત કુલ 6 ખેલાડીઓ કોવિડ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. આરાધ્યા યાદવ, વાસુ વત્સ, માનવ પારખ અને સિદ્ધાર્થ યાદવ પણ કોવિડનો ભોગ બન્યા છે. આ તમામ ખેલાડીઓને આઈસોલેટ કરવામાં આવ્યા છે.
કોરોનાના કારણે ભારતીય ટીમ ઘણી મુશ્કેલીમાં ફસાઈ ગઈ છે. તેને આયર્લેન્ડ સામે પ્લેઈંગ ઈલેવન પસંદ કરવામાં મુશ્કેલી પડી હતી. છેલ્લી મેચમાં રમનારા 2 મહત્વના ખેલાડીઓ આઈસોલેશનમાં ગયા હતા. આયર્લેન્ડ સામે યશ ઢૂલની જગ્યાએ નિશાંત સિંધુને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.
સદનસીબે, ICCએ ટીમ ઈન્ડિયાને 17 ખેલાડીઓની ટીમ લાવવાની મંજૂરી આપી, જેના કારણે બાકીના 11 ખેલાડીઓ આયર્લેન્ડ સામે મેદાનમાં ઉતરી શક્યા. મીડિયા રિપોર્ટ અનુસાર, ટીમ મેનેજમેન્ટે કોચને મેદાનમાં રમી રહેલા ખેલાડીઓ માટે ડ્રિંક્સ સાથે મોકલવો પડ્યો હતો.
BCCI ના એક અધિકારીએ પીટીઆઈને જણાવ્યું કે, 'ભારતના ત્રણ ખેલાડીઓ ગઈકાલે પોઝિટિવ મળ્યા હતા અને તેમને પહેલાથી જ આઈસોલેશનમાં મોકલવામાં આવ્યા હતા. મેચ પહેલા સવારે, અમારા કેપ્ટન અને વાઇસ-કેપ્ટનનો પણ રેપીડ એન્ટિજેન ટેસ્ટ પોઝિટિવ હતો. જોકે જે નિર્ણાયક ન હતું. તેમણે કહ્યું, 'તેથી સાવચેતીના ભાગરૂપે તેને મેચમાંથી બહાર કરવામાં આવ્યો હતો. આ ખેલાડીઓમાં કેપ્ટન યશ ઢૂલ અને વાઇસ કેપ્ટન શેખ રાશિદનો પણ સમાવેશ થાય છે. અમારી પાસે માત્ર 11 ખેલાડીઓ ઉપલબ્ધ છે અને છ ખેલાડીઓ આઈસોલેશનમાં છે. ઢૂલ અને રાશિદ દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ મેચમાં રમ્યા હતા, પરંતુ આરાધ્યા તે મેચનો ભાગ ન હતો.
જો કે, ટીમમાં કોરોના વિસ્ફોટ છતાં, ભારતીય ટીમ નિરાશ નથી થઈ. ઓપનર અંગક્રિશ રઘુવંશી અને હરનૂર સિંહે આયર્લેન્ડ સામે 164 રનની ભાગીદારી નોંધાવી હતી. હરનૂરે 101 બોલમાં 88 રન બનાવ્યા અને અંગક્રિશે 79 રનની ઇનિંગ રમી.