
દુલીપ ટ્રોફીની ફાઇનલમાં પૂર્વ ઝોને પ્રથમ ઇનિંગમાં 708 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. તેના જવાબમાં દક્ષિણ ઝોન ત્રીજા દિવસના અંતે 6 વિકેટે 242 રન બનાવી મુશ્કેલીમાં જોવા મળ્યું હતું. જોકે, આ કપરા સમયે કેપ્ટન તિલક વર્માએ ટીમની જવાબદારી સંભાળી હતી.

તિલક વર્માએ ફાઇનલની ઇનિંગમાં શાનદાર બેટિંગ કરતાં અડધી સદી પૂરી કરી હતી. દિવસના અંતે તે 56 રન બનાવીને અણનમ રહ્યો હતો. જો બીજા છેડેથી તેને યોગ્ય સાથ મળે તો દક્ષિણ ઝોન માટે મેચમાં વાપસીની આશા હજુ જીવંત રહી શકે છે.

આ ઇનિંગ સાથે તિલકે દુલીપ ટ્રોફીમાં એક ખાસ હેટ્રિક નોંધાવી છે. તેણે ટુર્નામેન્ટની સતત ત્રણ ઇનિંગમાં એક સદી અને બે અડધી સદી ફટકારી છે અને સૌથી ખાસ વાત એ છે કે આ ત્રણેય ઇનિંગમાં તે આઉટ થયો નથી.

સેમિફાઇનલમાં નોર્થ ઝોન સામે તિલકે પ્રથમ ઇનિંગમાં અણનમ 116 રન બનાવ્યા હતા. ત્યારબાદ બીજી ઇનિંગમાં પણ તે 51 રન બનાવી નોટઆઉટ રહ્યો હતો. હવે ફાઇનલમાં 56 રનની અણનમ ઇનિંગ સાથે તેણે સતત ત્રીજી વખત વિરોધી બોલરોને નિરાશ કર્યા છે.

રેડ-બોલ ક્રિકેટમાં તિલકનું આ પ્રદર્શન ટીમ ઈન્ડિયાના ટેસ્ટ સિલેક્શન માટે મહત્વપૂર્ણ બની શકે છે. ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં તેની સાતત્યપૂર્ણ બેટિંગ સાબિત કરી રહી છે કે તે લાંબા ફોર્મેટ માટે પણ તૈયાર છે. હવે જોવાનું રહેશે કે તિલક વર્માને ભારતીય ટેસ્ટ ટીમમાં તક ક્યારે મળે છે. (PC:PTI/X)
Published On - 8:54 pm, Tue, 8 September 26