
ખાડી વિસ્તારમાં ચાલી રહેલા તણાવ અને ઈરાન સાથે જોડાયેલા યુદ્ધની અસર હવે માત્ર તેલ અને ગેસ સુધી સીમિત રહી નથી પરંતુ સામાન્ય લોકોની રોજિંદી વસ્તુઓ સુધી પહોંચવા લાગી છે. હવે સમાચાર છે કે, આગામી સમયમાં ભારતમાં કોન્ડોમના ભાવ પણ વધી શકે છે. એક રિપોર્ટ અનુસાર, આ આખી સ્થિતિનું મૂળ પેટ્રોકેમિકલ સપ્લાય ચેઈનમાં આવેલો અવરોધ છે.

રિપોર્ટ મુજબ, ભારતની કોન્ડોમ ઈન્ડસ્ટ્રી 8,000 કરોડ રૂપિયાની છે. પેટ્રોકેમિકલ સપ્લાય ચેઈનમાં આવેલા વિક્ષેપને કારણે જરૂરી કાચા માલની અછત સર્જાઈ છે, જેની અસર દેશના કોન્ડોમ ઉત્પાદન ક્ષેત્ર પર પડી છે, જે 400 કરોડથી વધુ યુનિટ્સનું ઉત્પાદન કરે છે. જો કાચા માલની અછત ચાલુ રહેશે, તો આગામી સમયમાં કોન્ડોમના ભાવમાં વધારો થઈ શકે છે.

કોન્ડોમ બનાવવા માટે સિલિકોન ઓઈલ અને એમોનિયા જેવા ચોક્કસ કાચા માલની જરૂર હોય છે. સિલિકોન ઓઈલનો ઉપયોગ લ્યુબ્રિકન્ટ તરીકે થાય છે, જ્યારે એમોનિયા લેટેક્સને સુરક્ષિત અને સ્થિર રાખવામાં મદદ કરે છે. યુદ્ધ અને સપ્લાયમાં અવરોધને કારણે સિલિકોન ઓઈલની ઉપલબ્ધતા ઘટી ગઈ છે, જેનાથી કંપનીઓ સામે ઉત્પાદનને લઈને અનિશ્ચિતતા વધી છે. આ સાથે જ એમોનિયાની કિંમતોમાં પણ ભારે ઉછાળો આવવાની આશંકા છે, જેની કિંમત 40 થી 50 ટકા સુધી વધી શકે છે. આ ઉપરાંત, પેકેજિંગમાં વપરાતા PVC અને એલ્યુમિનિયમ ફોઈલ જેવી સામગ્રી પણ મોંઘી થઈ રહી છે. આ તમામ કારણોસર કોન્ડોમ બનાવવાનો ખર્ચ સતત વધી રહ્યો છે.

ભારતમાં આ સેક્ટરની મોટી કંપનીઓ જેવી કે HLL Lifecare, Mankind Pharma અને Cupid અત્યારે આ સંકટનો સામનો કરી રહી છે. કંપનીના અધિકારીઓનું કહેવું છે કે, કાચા માલની અછત અને મોંઘવારીને કારણે ઉત્પાદન તેમજ સમયસર ડિલિવરી કરવી મુશ્કેલ બની રહી છે. સાથે જ, લોજિસ્ટિક્સમાં આવેલી મુશ્કેલીઓએ સ્થિતિને વધુ ગંભીર બનાવી દીધી છે. સ્થિતિ આગળ જતાં વધુ બગડી શકે છે, કારણ કે સરકાર જરૂરી સેક્ટરોને પ્રાથમિકતા આપતા પેટ્રોકેમિકલ સંસાધનોની ફાળવણી ઘટાડી શકે છે. એવામાં કોન્ડોમ ઈન્ડસ્ટ્રીને મળતો સપ્લાય હજુ ઘટી શકે છે, જેનાથી ભાવમાં વધારો લગભગ નિશ્ચિત માનવામાં આવે છે.

ખાસ વાત એ છે કે, આ માત્ર બિઝનેસની સમસ્યા નથી પરંતુ સામાજિક ચિંતા પણ બની શકે છે. ભારતમાં કોન્ડોમનો ઉપયોગ ફેમિલી પ્લાનિંગ અને વસ્તી નિયંત્રણ માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જો કિંમતો વધશે તો તેનો ઉપયોગ ઘટી શકે છે, જેની અસર સમાજ પર પણ પડી શકે છે. ઈરાન યુદ્ધની અસર હવે ધીમે-ધીમે સામાન્ય જીવનની વસ્તુઓ સુધી પહોંચી રહી છે. LPG બાદ હવે કોન્ડોમ જેવા જરૂરી પ્રોડક્ટ પર વધતી કિંમતો દર્શાવે છે કે, વૈશ્વિક સંકટ કેવી રીતે દરેક વ્યક્તિના ખિસ્સા અને જીવનને પ્રભાવિત કરી શકે છે.