
બિપોરજોય પર આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વની બેઠક યોજી હતી. રાજ્યમાં બિપોરજોય વાવાઝોડાની સંભવિત વ્યાપક અસરને અનુલક્ષીને દરિયા કિનારાના 6 જિલ્લાઓ દ્વારિકા, પોરબંદર, કચ્છ, મોરબી, જામનગર અને જૂનાગઢમાં શાળા પ્રવેશોત્સવ હાલ પૂરતો મોકૂફ રાખવાનો મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે નિર્ણય કર્યો છે.

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્ય ના દરિયાઈ વિસ્તારના જિલ્લાઓમાં સંભવિત બિપોરજોય વાવાઝોડાની અસર સામે જિલ્લા તંત્ર એ કરેલા આગોતરા આયોજન અને આપત્તિ વ્યવસ્થાપન કામોમાં માર્ગદર્શન માટે રાજ્ય મંત્રી મંડળના વરિષ્ઠ મંત્રીઓને આ કેટલાક જિલ્લાઓની જવાબદારી સોંપી છે.

કચ્છ જિલ્લામાં મંત્રી ઋષિકેશ પટેલ, મોરબીમાં કનુભાઈ દેસાઈ, રાજકોટ જિલ્લામાં રાઘવજી પટેલ, પોરબંદરમાં કુવરજી બાવળિયા, જામનગર જિલ્લામાં મુળુભાઈ બેરા, દેવભૂમિ દ્વારકામાં હર્ષ સંઘવી, જૂનાગઢ જિલ્લા જગદીશ વિશ્વકર્મા, ગીર સોમનાથ પરસોત્તમ સોલંકી ને જવાબદારી સોંપવામાં આવી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એ આ બેઠકમાં વહીવટી તંત્રને કેટલાક સૂચનો કર્યા છે. જેમ કે, નિચાણવાળા વિસ્તારમાં વસતા લોકોનું જરૂરિયાત મુજબ સલામત સ્થળે સ્થળાંતર કરાશે.વીજળી, પાણી, દવાઓ સહિતની આવશ્યક જરૂરિયાતોને અસર પહોંચે તો તત્કાલ પુન:વ્યવસ્થાપન કરવા તાકીદ. હોર્ડિંગ્સ તાત્કાલિક હટાવી લેવા સૂચના આપવામાં આવી છે.

તેની સાથે સાથે એરફોર્સ-નેવી-આર્મી-કોસ્ટગાર્ડ સહિતની સેન્ટ્રલ એજન્સી સાથે સંકલન કેળવી જરૂર જણાય ત્યારે મદદ માટે તૈયાર રખાઈ છે અને લોકોને ઓછામાં ઓછી અગવડ-દુવિધા પડે તે રીતે આપત્તિ વ્યવસ્થાપનનું આગોતરું આયોજન કરવા સૂચના આપવામાં આવી છે.