
બિપોરજોય વાવાઝોડાની સંભવિત અસર સામે તંત્ર સજ્જ બન્યું છે. મહત્વનુ છે કે જિલ્લા તંત્રવાહકો ઝિરો કેઝ્યુઆલિટીના એપ્રોચથી તૈયાર છે. કેન્દ્રિય હવામાન વિભાગની વખતોવખતની સૂચનાઓ મુજબ દરિયાકાંઠાના જિલ્લાઓ આગોતરા આયોજન મુજબ એલર્ટ કરી દેવાયા છે જેની સમીક્ષા મુખ્ય મંત્રીએ કરી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના દરિયાઈ પટ્ટીના જિલ્લાઓના જિલ્લા કલેક્ટર સાથે ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ યોજીને આપત્તિ વ્યવસ્થાપન-ડિઝાસ્ટર મેનેજમેન્ટ સજ્જતાની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.

રાજ્યમાં વિવિધ વિસ્તારોમાં બિપોરજોય વાવાઝોડાની સંભવિત અસરો સામે ઝિરો કેઝ્યુઆલિટીના એપ્રોચથી બધા જ જિલ્લાઓએ કરેલા આયોજનની વિગતો મુખ્યમંત્રીએ આ બેઠકમાં મેળવી હતી.

ભારતીય હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક મોહંતીએ બેઠકમાં જણાવ્યું કે, પ્રવર્તમાન સ્થિતિએ આ બિપોરજોય વાવાઝોડું પોરબંદરથી દૂર સ્થિત થયેલું છે, પરંતુ તેની ગુજરાત પર ટકરાવાની સંભવિતતા નહીવત છે.

મુખ્ય મંત્રીએ દરિયાકાંઠાના 13 જિલ્લાઓ દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, પોરબંદર, અમરેલી, જામનગર, સુરત, વલસાડ, નવસારી વગેરેમાં કલેક્ટરશ્રીઓને પૂરતી સતર્કતા અને તકેદારી રાખવા માર્ગદર્શન આપ્યું હતું.

ખાસ કરીને માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવી, તેમ જ ફીશિંગ એક્ટિવિટી સંપૂર્ણ બંધ રહે તે માટેની કાળજી લેવી અને ભારે પવન ફૂંકાવાની શક્યતાઓને પગલે માર્ગો પર વીજથાંભલાઓ કે ઝાડ પડી જવા અને બેનર્સ કે હોર્ડિંગ્સથી અસર પડે તો તાત્કાલિક દૂરસ્તીકાર્ય માટે ટીમો તૈયાર કરવાની સમીક્ષા પણ બેઠકમાં કરવામાં આવી હતી.
Published On - 11:36 pm, Fri, 9 June 23