
બી એ પી એસ સંસ્થાના સદ્ગુરુ સંત ઈશ્વરચરણદાસ સ્વામીએ તેઓના ઉદ્બોધનમાં જણાવ્યું, “ કળશને મહત્વનું ગણવામાં આવે છે, કારણકે શિખર પર તેના સ્થાપન સાથે શિખર સંપૂર્ણ થયેલું ગણાય છે. કળશથી શોભતા શિખરની શોભા અનેરી છે અને આપણને ખૂબ આનંદથી ભરી દે છે. “ સ્વયંસેવકોની નિ:સ્વાર્થ સેવાને બિરદાવતા તેમણે કહ્યું, “સમગ્ર ઉત્તર અમેરિકાના ભક્તોએ રાત-દિવસ, ભક્તિ અને શ્રદ્ધાથી અહીં કાર્ય કર્યું છે.”

મહંત સ્વામી મહારાજે તેઓના આશીર્વચનમાં જણાવ્યું, “અક્ષરધામના શિખર પરના કળશ સઘળા પ્રયત્નોની દિવ્ય ફળશ્રુતિ સમાન છે. આજે આપણે જ્યારે રક્ષાબંધન ઉજવી રહ્યા છે ત્યારે અનુસંધાન રાખવું કે ભગવાન સ્વામિનારાયણ આપણી રક્ષામાં છે.”

શાંતિ, એકતા અને નિ:સ્વાર્થ સેવાની આહલેક જગાવતું અક્ષરધામ, સૌ કોઈને કોઈ પ્રકારના ભેદભાવ વગર એક બીજા સાથે સંવાદિતા સાધવા અને પરમાત્મામાં જોડાવાની પ્રેરણા આપે છે. તાજેતરમાં આચાર્ય ઇશાન શિવાનંદે અક્ષરધામ નિહાળ્યા બાદ પોતાની અનુભૂતિ વર્ણવતાં કહ્યું, “ જેવી રીતે ગ્રહો સૂર્યની પ્રદક્ષિણા કરે છે, તે રીતે આપણને જીવનમાં કેન્દ્રસ્થાનની જરૂર છે. અક્ષરધામ એક એવું કેન્દ્રબિંદુ છે, જે આપણી આસ્થા, સંસ્કૃતિ અને લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. હું અહીં જોઈ રહ્યો છું કે આધ્યાત્મિક કૃપાના આવા સ્થાનમાં સઘળા ધર્મો અને વિવિધ સંપ્રદાયોના લોકો પ્રેરણા મેળવી રહ્યા છે.”