અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની તારીખ લગભગ નક્કી થઈ ગઈ છે. શ્રી રામ જન્મ ભૂમિ તીર્થ ક્ષેત્રના કોષાધ્યક્ષએ જણાવ્યું છે કે 17થી 24 જાન્યુઆરી, 2024 વચ્ચે મુહૂર્ત અનુસાર શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે.
ભગવાન શ્રી રામના જન્મસ્થળ પર નિર્માણાધીન ભવ્ય મંદિરના ગર્ભગૃહનો નવો ફોટો સામે આવ્યો છે. આ ફોટોમાં ગર્ભગૃહની દિવાલો તૈયાર દેખાય છે. અને અંદર પત્થરો ઘસવાનું અને કાપવાનું કામ ચાલી રહ્યું છે. આ ફોટો પરથી પહેલી નજરે મંદિરની ભવ્યતા દેખાય છે. તેની ડિઝાઇન આર્કિટેક્ટ સીબી સોમપુરા અને આશિષ સોમપુરા દ્વારા તૈયાર કરવામાં આવી છે.
ગયા વર્ષ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભગવાન રામના ભવ્ય રામ મંદિરના નિર્માણ કાર્યનો શિલાન્યાસ કર્યો હતો. મળતી માહિતી અનુસાર ગર્ભગૃહમાં શ્રી રામની મૂર્તિના સ્થાપના સમયને પૂજામાં વડાપ્રધાન મોદી મુખ્ય યજમાન તરીકે હાજર રહે તેવી પૂરે પૂરી સંભાવના છે.
રામ મંદિરની ડિઝાઈન એવી રીતે તૈયાર કરવામાં આવી છે કે ભગવાનના દર્શન કરવા માટે ભક્તોએ 21 ફૂટની સીડીઓ ચઢવી પડશે. આ પછી 160 સ્તંભ પર નિર્માણ પામતા ભવ્ય ગર્ભગૃહના દર્શન થશે.
આ સમગ્ર ગર્ભગૃહ આરસનું બનેલું છે. મંદિર સમિતિના જણાવ્યા અનુસાર પ્રથમ માળે 132 અને બીજા માળે 74 સ્તંભ લગાવવામાં આવી રહ્યા છે.