
ઝાંખીના મુખ્ય આકર્ષણનું કેન્દ્રો : કચ્છમાં આકાર લઇ રહેલા વિશ્વનો સૌથી વિશાળ હાઈબ્રીડ રિન્યુએબલ એનર્જી પાર્ક, દેશનું સૌ પ્રથમ 24x7 સોલાર ઊર્જા મેળવતું મોઢેરા ગામ, PM-KUSUM યોજના થકી ખેડૂતોની ખુશહાલી અને કેનાલ રુફટોપથી થતા સૌરઊર્જાનું ઉત્પાદન છે.

પ્રસ્તુત ઝાંખીના પ્રથમ ભાગમાં ગુજરાતના કચ્છના ખાવડા ખાતે આકાર લઇ રહેલા દુનિયાના સૌથી વિશાળ હાઈબ્રીડ (સોલાર અને વિન્ડ) રિન્યુએબલ એનર્જી પાર્કનું નિદર્શન છે. બિનપરંપરાગત ઊર્જાના અખૂટ સ્ત્રોત સ્વરૂપ સૂર્ય અને પવનને પ્રતીકાત્મક રીતે હાથમાં ધારણ કરેલી એક ખુશહાલ કન્યાને કચ્છના ભાતીગળ પહેરવેશમાં દર્શાવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ-2011થી ગુજરાતના પાટણ જિલ્લાના ચારણકા ગામમાં રાજ્યનો સૌ પ્રથમ સોલાર પાર્ક કાર્યરત છે જ .

જયારે ઝાંખીના પૃષ્ઠભાગમાં ગુજરાતનું જાણીતું સૂર્યમંદિર જ્યાં આવેલું છે; તે મોઢેરા ગામ BESS (Battery Energy Storage System) મારફતે દેશનું સૌ પ્રથમ 24x7 સોલાર ઊર્જા મેળવતું ગામ બન્યું છે. તાજેતરમાં જ યુનાઇટેડ નેશન્સ(UN)ના સેક્ટરી-જનરલ અન્ટોનિઓ ગુટરસે (Antonio Guterres) સૌરઊર્જાથી આત્મનિર્ભર બનેલા મોઢેરાની મુલાકાત લઈને ગુજરાતના આ કાર્યની ખૂબ પ્રસંશા કરી હતી.