
સૌની લાડકી સલોનીના લગ્નને લઇને આશ્રમના વડીલોના હૈયે હરખની હેલી ઉમટી હતી. લગ્ન માટે તમામ વડીલોએ યથાશક્તિ ફાળો આપ્યો હતો, તેમજ દાતાઓની મદદથી પણ લગ્ન માટે ભંડોળ એકત્ર કરાયું હતું. લગ્ન વખતે સલોનીને કરિયાવરમાં ઘરવખરીની તમામ જરૂરી ચીજવસ્તુઓ ઉપરાંત ફિક્સ ડિપોઝિટ પણ આપવામાં આવી હતી.

સલોની ઉંમરલાયક થતા તમામ ધામધૂમથી તેના લગ્ન કરાવવાનું નક્કી કર્યુ. અમદાવાદના નિકુંજ પંચાલ નામના યુવક સાથે સલોનીના લગ્ન લેવાયા. વૃદ્ધાશ્રમમાં આ રીતે કોઈ અનાથ દીકરીના લગ્ન થયા હોય તેવી આ પ્રથમ ઘટના છે.

ઘરડાઘરના ટ્રસ્ટીઓ સહિત વૃદ્ધાશ્રમના વડીલોએ સલોનીને ભીની આંખે વિદાય આપી હતી.

મેંદી રંગ્યા હાથે તથા સોળે શણગાર સજીને આવેલી સલોનીને જોતા વૃદ્ધાશ્રમમાં રહેતા 205 વડીલોએ મન ભરીને પોતાની દીકરીને નિહાળી હતી તેમજ તેને આશીર્વાદ આપ્યા હતા.

સલોની માટે વૃદ્ધાશ્રમ દ્વારા જ યોગ્ય યુવકની શોધ ચલાવવામાં આવી હતી અને સૌને યોગ્ય લાગેલા નિકુંજ નામના યુવક સાથે સલોનીએ આજે પ્રભુતામાં પગલા પાડ્યા હતા.

ઘરડાઘરના ટ્રસ્ટી તથા તેમના પત્નીએ દીકરીની જેમ સલોનીનું કન્યાદાન કર્યું હતું તે સમયે તેમના હૈયા ભરાવી આવ્યા હતા. ઘરડાઘરની બિંબાઢાળ જિંદગીમાં વૃદ્ધોએ સલોનીનો લગ્નોત્સવ માણ્યો હતો.

વડીલોના પ્રેમાળ હસ્તે નવદંપત્તીને મળ્યા આશીર્વાદ મળ્યા હતા અને જીવનના પીડાદાયક વર્ષોને ભૂલીને સલોનીએ વડીલોના આશીર્વાદ સાથે નવજીવનનો પ્રારંભ કર્યો હતો.
Published On - 10:26 pm, Sun, 30 April 23