
રાંદરડા બીટના વનરક્ષક વિશાલ એચ.ડાંગર અને માનદ વાઈલ્ડ લાઈફ વોર્ડન ભાવેશ ત્રિવેદીએ પક્ષીઓ વિશે માહિતી આપતાં જણાવ્યું હતું કે, બ્લેક નેક આઇબિસ (ધોળી કાંકણસાર), બ્લેકવિંગ સ્ટિલ્ટ(ગજપાવ), કુટ(ભગતડુ), ગ્રે હેરોન(કબૂત બગલો), ગ્રેટ વ્હાઈટ પેલિકન, પિંક બેકડ પેલિકન(ગુલાબી પેણ), બ્રાઉન હેડેડ, સુરખાબ, ગ્રેટર ફ્લેમિંગો, મલાર્ડ નીલશિર, ડેમોઝિલ ક્રેન (કરકરા), ગાર્ગેની, પીનટેલ, માટીના ગારામાંથી ખોરાક લેતાં કાળી પૂંછડીવાળા ગોડવિટ, રફ, સેન્ડ પાઈપર, પ્લોવર, સહિત અલગ અલગ જાતનાં સીગલ જેવા જુદી જુદી પ્રજાતિના રંગ-બેરંગી પક્ષીઓ સાથે અહીં તેનો કલરવ અને સુંદરતા નજીકથી જોવા મળે છે.

આ તળાવ સહેલાણીઓ માટે યાયાવર પક્ષીઓનું નિરીક્ષણ સ્થળ બની ગયું છે. જુદી જુદી પ્રજાતિના એક સાથે 200થી વધુ સુંદર પક્ષીઓને તેમના કુદરતી જીવનમાં નિહાળવા અને કલરવ સંભાળવા દૂર દૂરથી લોકો આવે છે. રાંદરડા ખાતે પ્રાકૃતિક શિબિરનું પણ આયોજન થાય છે. જેમાં પક્ષીઓ અંગેની વિવિધ માહિતી આપવામાં આવે છે.

શહેરમાંથી લોકો વહેલી સવારે અથવા મોડી સાંજે આ જાતજાતના પક્ષીઓને નિહાળવા અને પક્ષીઓને ખોરાક ખવડાવવા પણ આવે છે. સૂર્યોદયના શ્રેષ્ઠ દ્રશ્યો સાથે પ્રકૃતિની ગોદ અને સુંદર મજાના પક્ષીઓના સુમધુર અવાજો એક આહલાદક અનુભવ કરાવે છે.