
દિવાળીના અવસર પર ગંગાના પશ્ચિમ કિનારે આવેલા 84 ઘાટો પર લગભગ આઠ લાખ દીવાઓ પ્રગટાવવામાં આવ્યા છે. આ સાથે પૂર્વ કિનારો પણ લગભગ બે લાખ દીવાઓથી ઝગમગી ઉઠ્યો છે.

શહેરીજનો દ્વારા શહેરના મંદિરો, તળાવો અને અન્ય સ્થળોએ રોશની કરવામાં આવી છે. ચેત સિંહ ઘાટ પર લેસર શોનું આયોજન કરવામાં આવ્યું છે, જેને પ્રવાસીઓએ ખૂબ પસંદ કર્યું.

અસ્સી ઘાટ ખાતે મહામના મદન મોહન માલવિયા, તુલસી ઘાટ પર તુલસીદાસ, હરિશ્ચંદ્ર ઘાટ પર ડોમ રાજા, સિંધિયા ઘાટ ખાતે તૈલંગ સ્વામી જેવી વ્યક્તિઓની તસવીરો મૂકીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

ગંગા સેવા નિધિ વતી દશાશ્વમેધ ઘાટ ખાતે અમર શહીદ જ્યોતિની પ્રતિકૃતિ તૈયાર કરીને શહીદ અમર સૈનિકોને દેવ દિવાળી અર્પણ કરવામાં આવી હતી. વારાણસી જિલ્લા મેજિસ્ટ્રેટ એસ રાજલિંગમે કહ્યું કે, સરકારી ઈમારતો, તમામ ચોક અને થાંભલાઓ પર ત્રિરંગા સહિત એલઈડી લાઈટિંગ કરવામાં આવી છે.

આ ઉપરાંત એરપોર્ટ, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન પર ઉતરતા મુસાફરોનું સ્વાગત કરવામાં આવ્યું હતુ. જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓએ જણાવ્યું હતું કે દેવ દિવાળી પર વિશ્વ પ્રસિદ્ધ કાશી ઘાટની આરતી અને શણગારના જીવંત પ્રદર્શન માટે છ મુખ્ય સ્થળોએ મોટી એલઇડી સ્ક્રીનની વ્યવસ્થા કરવામાં આવી છે.

ભક્તો આરતી નિહાળી શકે તે માટે ઉચ્ચ ગુણવત્તાના કેમેરા લગાવવામાં આવ્યા છે. અસ્સી ઘાટ, દશાશ્વમેધ ઘાટ, રાજેન્દ્ર પ્રસાદ ગઢ રાજ ઘાટ, ગોદૌલિયા મલ્ટી લેવલ પાર્કિંગ અને વારાણસી કેન્ટ સ્ટેશન પર એલઈડી સ્ક્રીન લગાવવામાં આવી છે, જ્યાંથી લાઈવ પિક્ચરની સાથે મહા આરતીનો અવાજ પણ સાંભળી શકાય છે.

પ્રવાસીઓની સુરક્ષા માટે વિસ્તૃત વ્યવસ્થા કરવામાં આવી છે. કોઈપણ પ્રકારના પ્રાઈવેટ ડ્રોન ઉડાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે અને જિલ્લાની સરહદ પર પણ તકેદારી રાખવામાં આવી રહી છે.