TV9 GUJARATI | Edited By: Tanvi Soni
Nov 20, 2021 | 11:10 AM
સમયની સાથે હવે ટ્રેન અને બસના બદલે ફ્લાઇટમાં લોકો અવર જવર કરતા થયા છે. ડોમેસ્ટિક ફ્લાઇટ્સના ઉપયોગમાં પણ વધારો થયો છે. ફ્લાઇટમાં મુસાફરી કરવી હવે ભારતમાં પણ સામાન્ય થઇ ગઇ છે. મધ્યમ વર્ગ માટે પણ ફ્લાઇટનો પ્રવાસ સામાન્ય બન્યો છે પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ફ્લાઇટ ટેક-ઓફ અને લેન્ડિંગ દરમિયાન લાઇટ શા માટે મંદ પડી જાય છે?
ફ્લાઇટ ટેકઓફ અને લેન્ડ કરતી વખતે લાઇટ ઝાંખી પડી જાય છે કારણ કે આપણી આંખોને પ્રકાશ પ્રમાણે એડજસ્ટ થવામાં સમય લાગે છે.
સામાન્ય રીતે મનુષ્યની આંખોને પ્રકાશથી અંધારામાં અથવા અંધારાથી પ્રકાશમાં આવતા વાર લાગતી હોય છે. સામાન્ય રીતે તેનો સમય 10થી 30 મિનિટ જેટલો લાગે છે. પરંતુ જો પ્રકાશ ઓછો હોય, તો પ્રકાશથી અંધારામાં અથવા અંધારાથી પ્રકાશમાં આવતા સમય ઓછો લાગે છે.
ઘણીવાર એવું જોવા મળ્યું છે કે ટેકઓફ કે લેન્ડિંગ વખતે અકસ્માતો વધુ થાય છે. એટલા માટે લાઇટ અગાઉથી ઝાંખી કરવામાં આવે છે જેથી કટોકટીના દરવાજા અને બહાર નીકળતી લાઇટિંગ સરળતાથી દેખાઈ શકે. આ દરવાજાઓ પર રિફ્લેક્ટર લગાવવામાં આવ્યા છે જે ઝાંખા પ્રકાશમાં ઝળકે છે.
બોઇંગ એરલાઇનના 2006થી 2017 વચ્ચેના અનુભવ અનુસાર ટેકઓફની પ્રથમ 3 મિનિટમાં 13 ટકા અને લેન્ડિંગની આઠ મિનિટ પહેલા 48 ટકા અકસ્માતો થતા હોવાનું સામે આવ્યુ છે.