
કેન્દ્રીય ગૃહ અને સહકારીતા પ્રધાન અમિત શાહે કરનાલમાં હરિયાણા સહકારી વિભાગની વિવિધ યોજનાઓનો શિલાન્યાસ કર્યો અને ઉદ્ઘાટન કર્યું. આ અવસર પર અમિત શાહે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આઝાદીના 75માં વર્ષમાં ઐતિહાસિક નિર્ણય લેતા અલગ સહકારી મંત્રાલયની રચના કરી છે. તેમણે કહ્યું કે પીએમ મોદીની આ કાર્યવાહી સહકારી ક્ષેત્રમાં ક્રાંતિ લાવશે.
ગૃહ પ્રધાને કહ્યું કે અત્યાર સુધીના કાર્યકાળ દરમિયાન, સહકારી મંત્રાલયે ઘણા ક્ષેત્રોમાં નવી શરૂઆત કરી છે. તેમણે કહ્યું કે બજેટમાં કરાયેલી જાહેરાત મુજબ વર્ષ 2025 પહેલા દેશની દરેક પંચાયતોમાં PACSની સ્થાપના કરવામાં આવશે. આઝાદી બાદથી અત્યાર સુધીમાં 65000 PACSની રચના કરવામાં આવી હતી. પરંતુ મોદી સરકાર આગામી 3 વર્ષમાં 2 લાખ નવા PACSની રચના કરીને સહકારી ક્ષેત્રનો વ્યાપ વધારશે. અમિત શાહે કહ્યું કે, આજે હરિયાણામાં સહકારી ક્ષેત્ર માટે લેવાયેલા આ પગલાં ગરીબમાં ગરીબ લોકો માટે સંજીવની સાબિત થશે.
ગૃહ પ્રધાને કહ્યું કે ભારત સરકારના NCDCએ સહકારી સંસ્થાઓના કામ માટે હરિયાણાને 10,000 કરોડ રૂપિયાની રકમ જાહેર કરી છે. જે ખેડૂતોને ઓછા વ્યાજે લોન આપશે. આ સાથે જિલ્લા સહકારી બેંકને એનપીએ મુક્ત બનાવવા માટે પણ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે અહીં ઈન્ટરનેટ રેડિયો- ‘સહકારિતા વાણી’ અને એક્સપોર્ટ હાઉસ લોન્ચ કરવામાં આવ્યા છે. પેકેજિંગથી લઈને બ્રાન્ડિંગ અને નિકાસ સંબંધિત સુવિધાઓમાં આ એક્સપોર્ટ હાઉસ ખેડૂતો માટે ખૂબ જ મદદરૂપ સાબિત થશે.
ગૃહ પ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે, સહકારી વાણી દ્વારા કૃષિ, પશુ સંવર્ધન અને દૂધની ગુણવત્તામાં સુધારણા સંબંધિત મુખ્ય વૈજ્ઞાનિક માહિતી ખેડૂતો અને સહકારી સંસ્થાઓને સમયાંતરે ઉપલબ્ધ થશે. તેમણે કહ્યું કે 2014માં ઇથેનોલનું મિશ્રણ 1% કરતા ઓછું હતું, જે આજે 10% કરતા વધારે છે. તેવી જ રીતે, 2025 સુધીમાં તેને વધુ વધારીને 20% કરવામાં આવશે. તેનાથી સુગર મિલોની આવકમાં વધારો થશે. સાથે જ એપીએમસીની ખરાબ ડાંગરનો પણ ઉપયોગ થશે અને દેશનું આયાત બિલ પણ ઘટશે.
અમિત શાહે કહ્યું કે, આજે અહીં 200 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા સહકારી દૂધ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. જે દરરોજ 5 લાખ લિટર દૂધ પ્રોસેસ કરવાની ક્ષમતા ધરાવે છે. તેમણે કહ્યું કે મુખ્યપ્રધાન મનોહર લાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં હરિયાણાની કાયાપલટ માટે ઘણું કર્યું છે. આ હીરોની ભૂમિ છે અને અનાજ અને દૂધના ઉત્પાદનમાં દેશમાં બીજા ક્રમે છે.