ભારતીય જનતા પાર્ટીના નેતા અને આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમા અવારનવાર પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. આજકાલ તેઓ વિપક્ષ, ખાસ કરીને રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર પ્રહારો કરી રહ્યા છે. ટીવી 9 ભારતવર્ષને આપેલા એક ઇન્ટરવ્યુમાં, હિમંતા બિસ્વા સરમાએ તમામ પ્રશ્નોના જવાબ મુક્તમને આપ્યા. ઇન્ટરવ્યુ દરમિયાન તેમણે કોંગ્રેસ, અદાણી, જેપીસી, સાવરકર, હિંદુત્વ, કેજરીવાલ અને ઓવૈસી સાથે જોડાયેલા તમામ પ્રશ્નો પર વાત કરી હતી.
આસામના મુખ્યમંત્રીએ પોતાના ઈન્ટરવ્યુમાં રાહુલ ગાંધી પર જોરદાર નિશાન સાધ્યું હતું. જોકે, તેમણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની પાછળ પડી ગયા હોવાનો ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું કે હું કોઈની પાછળ પડ્યો નથી. આ સાથે સીએમએ કહ્યું કે, કોંગ્રેસના નેતાની પાછળ જે લોકો છે તે લોકો તેમને મજબૂરીથી કામ કરાવી રહ્યાં છે, પરંતુ કામ થઈ રહ્યું નથી. સરમાએ કહ્યું કે આ બધા જેએનયુના લોકો છે, જેમને સેક્યુલર કહીએ તો તેઓ ખુશ થાય છે.
બીજી તરફ અદાણીને લઈને રાહુલ ગાંધીના ટ્વિટ પર તેમણે કહ્યું કે ગૌતમ અદાણીએ આસામમાં કોઈ રોકાણ કર્યું નથી. જો રાહુલ ગાંધીએ મારું નામ તેમની સાથે જોડ્યું છે, તો હું તેની સામે કોર્ટમાં લઈ જઈશ, ત્યારબાદ રાહુલ ગાંધીએ વારંવાર આસામ આવવું પડશે.
ઇન્ટરવ્યુ દરમિયાન હિમંતા બિસ્વા સરમાએ, રાહુલ ગાંધીના કૂતરાનો ઉલ્લેખ કર્યો. સીએમ હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે જો તમે કોંગ્રેસ પાર્ટીમાં રાહુલ ગાંધી વિરુદ્ધ બોલી શકતા નથી, તો તમારે તેમના કૂતરાની થાળીમાં ખાવું પડશે. બંગલો ખાલી કરવા પર રાહુલ ગાંધીને ટોણો મારતા કહ્યું કે રાહુલ અને તુગલક બંને એક જ છે. એટલા માટે જો મારુ ચાલતુ હોત તો હું તેમને તુગલક લેનમાં જ રહેવા દેત.
હું ગાંધી છું, સાવરકર નહીં, હું માફી નહીં માંગું, તેવા રાહુલના નિવેદન પર, સીએમ સરમાએ મોટું નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે સાવરકર અને રાહુલ ગાંધીની સરખામણી ન થઈ શકે, તે યોગ્ય નથી. રાહુલ પર નિશાન સાધતા કહ્યું કે તમે સોનાની ચમચી લઈને જન્મ્યા છો અને સાવરકર આંદામાન જેલમાં રહ્યા છે. હિમંતે કહ્યું કે સાવરકર દરેકના હૃદયમાં છે, તેમણે એક નવા યુગની રચના કરી. તેમનું સન્માન ભારત રત્ન કરતાં પણ મોટું છે.
બીજી તરફ, અદાણી કેસમાં જેપીસીની માંગના શરદ પવારના વિરોધ પર સરમાએ બાકીના વિપક્ષો પર કહ્યું કે તેમને પૈસા એકઠા કરવા છે, તેથી જ તેઓએ જેપીસીને લઈને હોબાળો મચાવ્યો છે. જ્યારે સુપ્રીમ કોર્ટે આ મામલામાં સંજ્ઞાન લીધું છે, તો ત્યાં જઈને તમે જે કહેવા માગો છો તે કહો. મુખ્યમંત્રીએ પૂછ્યું કે શું ભારતમાં સુપ્રીમ કોર્ટથી ઉપરની કોઈ સંસ્થા છે?
બીજી તરફ ગુલામ નબી આઝાદે પોતાના પુસ્તકમાં ઉલ્લેખ કર્યો છે કે, તેમણે રાહુલને કહ્યું હતું કે હિમંતા બિસ્વા સરમા કોંગ્રેસ છોડી શકે છે, ત્યારે રાહુલે કહ્યું હતું કે તેમને જવા દો. આ અંગે સીએમ સરમાએ કહ્યું કે, તેમણે પણ એવું જ કહ્યું હતું, પરંતુ જે દિવસે મેં કોંગ્રેસ છોડી, તે જ દિવસે રાહુલે મને ચાર વખત ફોન કર્યો, તેમણે મને રોકવાનો પ્રયાસ કર્યો હતો.
દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…