કર્ણાટકમાં નવા મુખ્યમંત્રીની ચૂંટણી યોજાવાની છે, નવી સરકાર બનવાની છે પરંતુ તે પહેલા કર્ણાટકના હાલના ડીજીપી પ્રવીણ સૂદને (Praveen Sood) બે વર્ષ માટે સીબીઆઈના નવા ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પ્રવીણ સૂદ હાલના સીબીઆઈ ડિરેક્ટર સુબોધ જયસ્વાલનું સ્થાન લેશે. તેમનો કાર્યકાળ 25 મેના રોજ પૂરો થઈ રહ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ સિંહ અને વિપક્ષના નેતા અધીર રંજન ચૌધરીની બનેલી ઉચ્ચ સ્તરીય સમિતિની બેઠક બાદ પ્રવીણ સૂદનું નામ નક્કી કરવામાં આવ્યું હતું. જો કે મળતી માહિતી મુજબ અધીર રંજન ચૌધરીએ પ્રવીણ સૂદની નિમણૂક સામે વાંધો ઉઠાવ્યો છે.
આ પણ વાંચો: Breaking News: IPS પ્રવીણ સૂદ બન્યા CBIના નવા ડિરેક્ટર, સુબોધ કુમાર જયસ્વાલનું લેશે સ્થાન
પ્રવીણ સૂદ હાલમાં કર્ણાટક પોલીસના ડીજીપી તરીકે કાર્યરત છે. IIT દિલ્હીમાંથી સ્નાતક થયા છે. તેઓ 1986માં ભારતીય પોલીસ સેવા (IPS)માં જોડાયા હતા. જે પછી તેમણે 1989માં મૈસુરમાં આસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ તરીકે પોતાની કારકિર્દી શરૂ કરી. બાદમાં તેમણે બેંગલુરુમાં ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ડીસીપી) તરીકે નિયુક્ત થયા પહેલા બેલ્લારી અને રાયચુરના પોલીસ અધિક્ષક તરીકે સેવા આપી હતી.
પ્રવીણ સૂદે 2004થી 2007 સુધી મૈસુર શહેરના પોલીસ કમિશનરનું પદ પણ સંભાળ્યું હતું. તેમના કાર્યકાળ દરમિયાન, તેમણે પાકિસ્તાની મૂળના આતંકવાદી નેટવર્ક્સ વિરુદ્ધ ઓપરેશન ચલાવ્યું છે. બાદમાં 2011 સુધી તેમણે બેંગ્લોરની ટ્રાફિક પોલીસમાં એડિશનલ પોલીસ કમિશનર તરીકે પણ કામ કર્યું.
પ્રવીણ સૂદને 1996માં સેવામાં શ્રેષ્ઠતા માટે મુખ્યમંત્રી સુવર્ણચંદ્રક, 2002માં સરાહનીય સેવા માટે પોલીસ ચંદ્રક અને 2011માં વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ પોલીસ ચંદ્રક એનાયત કરવામાં આવ્યા હતા. હાઉસિંગ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો અને ટર્નઓવર વધારવામાં મુખ્યભૂમિકા ભજવી હતી.
કર્ણાટક કોંગ્રેસના વડા ડીકે શિવકુમારે તાજેતરમાં ડીજીપી પ્રવીણ સૂદને ‘નાલાયક’ ગણાવ્યા હતા અને તેમની પાર્ટી સત્તામાં આવ્યા બાદ તેમની સામે કાર્યવાહી કરવાની વાત કરી હતી. ડીકે શિવકુમારે પ્રવીણ સૂદ પર ભાજપની તરફેણ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું – સૂદના શાસન દરમિયાન કોંગ્રેસના નેતાઓ પર લગભગ 25 કેસ નોંધાયા છે, જ્યારે ભાજપના નેતાઓ વિરુદ્ધ કોઈ કેસ નોંધવામાં આવ્યો નથી.