હવામાન વિભાગ (IMD)એ સોમવારે જણાવ્યું હતું કે આગામી ત્રણ દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતના (central India) મોટાભાગના ભાગોમાં લઘુત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની ધારણા છે. IMDએ કહ્યું કે, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ-બાલ્ટિસ્તાન અને મુઝફ્ફરાબાદમાં સોમવારથી બુધવાર અને હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં અનુક્રમે મંગળવાર અને બુધવારે હળવો વરસાદ અથવા હિમવર્ષા થવાની સંભાવના છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે 17 થી 20 ફેબ્રુઆરી દરમિયાન પશ્ચિમ હિમાલય વિસ્તારમાં હળવો વરસાદ અથવા હિમવર્ષા થવાની સંભાવના છે.
IMDએ કહ્યું કે, દેશના બાકીના ભાગોમાં હવામાન શુષ્ક રહેવાની શક્યતા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે આગામી 24 કલાક દરમિયાન પૂર્વ ભારતના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ નોંધપાત્ર ફેરફાર થવાની સંભાવના નથી. IMDએ કહ્યું કે તે પછી તાપમાનમાં ધીમે ધીમે 2 થી 4 ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે.
હિમાચલ પ્રદેશના મધ્ય પહાડી જિલ્લાઓ શિમલા, સોલન, સિરમૌર, મંડી, કુલ્લુ, ચંબા અને ઉચ્ચ પર્વતીય જિલ્લા કિન્નૌર અને લાહૌલ-સ્પીતિમાં હવામાન 17 ફેબ્રુઆરી સુધી ખરાબ રહેવાની આગાહી છે. ઉના, બિલાસપુર, હમીરપુર અને કાંગડાના મેદાની જિલ્લાઓમાં 17 ફેબ્રુઆરી સુધી હવામાન સ્વચ્છ રહેશે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આખા સપ્તાહ દરમિયાન સવારે અને સાંજે ધુમ્મસ રહેશે. લઘુત્તમ તાપમાનમાં સતત વધારો થતો રહેશે. જો કે મહત્તમ તાપમાન 26 ડિગ્રીની આસપાસ રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 15-16 ફેબ્રુઆરીનું લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી અને મહત્તમ તાપમાન 26 ડિગ્રી રહેવાની સંભાવના છે. આ પછી 17 ફેબ્રુઆરીએ લઘુત્તમ તાપમાન 9 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ રહેશે. આ સાથે જ 18 અને 19 ફેબ્રુઆરીએ લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી અને મહત્તમ તાપમાન 26 ડિગ્રી રહેવાની શક્યતા છે.
આ પણ વાંચો: NHB Admit Card 2021-22: આસિસ્ટન્ટ મેનેજર માટેની ભરતી પરીક્ષાના એડમિટ કાર્ડ થયા જાહેર, અહીં કરો ડાઉનલોડ