DELHI : ભારે વિરોધ બાદ અંતે કેન્દ્ર સરકારે ખેડૂતોને ખાતર (fertilizer)ના ભાવ વધારાથી રાહત આપી છે. રાસાયણિક ખાતરમાં થયેલા ભાવ વધારાનો બોજ ખેડૂતો પર નાખવાના નિર્ણયને પાછો ખેંચ્યો છે.. કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા (Mansukh Mandviya)એ ખાતરના ભાવ વધારાને પરત ખેંચવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે કંપનીઓને ખાતરના ભાવમાં વધારો પાછો ખેંચવા આદેશ અપાયો છે.. કેન્દ્રએ ખાતર પર અપાતી સબસિડી વધારી છે, જેથી ખેડૂતો પર વધારાનો બોજ નહીં પડે.
કેન્દ્ર સરકારે ખેડૂતોના હિત માટે એક મોટું પગલું ભર્યું છે. આ અંગે માહિતી આપતા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે વિશ્વમાં ખાતરોના ભાવ વધ્યા છે અને આપણે ઘણા પ્રકારના ખાતરોની આયાત કરવી પડશે. વધેલા ભાવથી ખેડૂતોને અસર ન થાય તે માટે સરકારે ખાતર પરની સબસિડી વધારવામાં આવશે અને તેમના ભાવમાં વધારો નહીં થાય તે નક્કી કર્યું છે.
મનસુખ માંડવિયાએ કહ્યું કે ભારત સરકારે આંતરરાષ્ટ્રીય બજારમાં ખાતરના ભાવમાં વધારો થયો હોવા છતાં ખેડૂતોને સમાન દરે ખાતર આપવાનો નિર્ણય કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોના લાભ માટે યુરિયા, ડીએપી, એસએસપી, એનપીકે ખાતરો પરની સબસિડીમાં વધારો કર્યો છે.
માંડવિયાએ કહ્યું કે કેન્દ્ર સરકારે DAP પર સબસિડી 1200 રૂપિયાથી વધારીને 1650 રૂપિયા કરી છે. યુરિયા પર સબસિડી 1500 રૂપિયાથી વધારીને 2000 કરી દેવામાં આવી છે. એટલું જ નહીં, NPK પર સબસિડી 900 રૂપિયાથી વધારીને 1,015 અને SSB પર 315 રૂપિયાથી વધારીને 375 રૂપિયા કરવામાં આવી છે. વડાપ્રધાન મોદીએ રવિ સિઝનમાં ખેડૂતો માટે ખાતર સબસિડીના રૂપમાં 28 હજાર કરોડ રૂપિયા આપ્યા છે જેથી ખેડૂતો પર અયોગ્ય ભારણ ન વધે.
આ ઉપરાંત તેમણે કહ્યું કે સરકારે આ વર્ષ માટે ફોસ્ફેટિક અને પોટેશિક ખાતરોના ભાવમાં વધારો નહીં કરવાનો નિર્ણય કર્યો છે. આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ વર્ષ 2021-22 માટે ફોસ્ફેટિક અને પોટાશ ખાતરોના વધેલા ભાવ પાછા ખેંચવાનો નિર્ણય કર્યો છે. ફોસ્ફેટિક અને પોટાશ ખાતરોની સબસીડીમાં પ્રતિ બેગ રૂ.438 નો વધારો કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો : SOUના પ્રવાસીઓ માટે સારા સમાચાર, 28 થી 31 ઓક્ટોબર સુધી સ્ટેચ્યૂ ઓફ યુનિટી બંધ નહી રહે
આ પણ વાંચો : RAJKOT : બાળકોમાં ન્યુમોકોકલ ન્યુમોનિયા ફેલાતો અટકાવવા 20 ઓક્ટોબરથી રસીકરણ શરૂ થશે