અમેરિકાના વિદેશપ્રધાન એન્ટની બ્લિંકન અને રક્ષાપ્રધાન ઓસ્ટિન લોયડ હાલમાં ભારતના મહેમાન બન્યા છે. અમેરિકાના આ બંને હાઈ પ્રોફાઈલ નેતાઓએ આજે એટલે કે શુક્રવારે નવી દિલ્હીમાં વિદેશપ્રધાન જયશંકર અને રક્ષાપ્રધાન રાજનાથ સિંહની સાથે ટુ પ્લસ ટુ ચર્ચા કરી. આ દરમિયાન ઘણા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે. જેમાં ભારત અને કેનેડા વિવાદ પણ સામેલ છે.
આ બેઠક બાદ ભારતના વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ જણાવ્યું કે આ બેઠકમાં ઘણા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ છે પણ જ્યાં સુધી કેનેડાનો પ્રશ્ન છે. અમે અમારા તમામ મિત્રો અને ભાગીદારોને આ મુદ્દા પર ચર્ચા કરી છે અને તેની પર આપણુ વલણ સ્પષ્ટ છે, જેની પર અમે ઘણા અવસરે વિસ્તારથી જણાવ્યું છે. સુરક્ષાને લઈને ઘણી ચિંતાઓ છે અને મને વિશ્વાસ છે કે તમે બધાએ જ ગુરપતવંત સિંહ પન્નુનો તે વીડિયો જોયો હશે, જેમાં તેને ધમકી આપી છે કે 19 નવેમ્બરે એર ઈન્ડિયાના વિમાનથી ટ્રાવેલ ના કરવુ નહીં તો જીવનું જોખમ રહેશે.
ક્વાત્રાએ કહ્યું કે તેનાથી અમારી સુરક્ષા સંબંધિત ચિંતાઓ વધી ગઈ છે પણ અમે વલણ સ્પષ્ટ કર્યુ છે. જણાવી દઈએ કે બંને દેશોની વચ્ચે આ સ્તરની આ પાંચમી બેઠક છે. આ બેઠક 2018 બાદથી દર વર્ષે થઈ રહી છે.
ગુરપતવંત સિંહ પન્નુનો જન્મ પંજાબમાં થયો છે અને અભ્યાસ પણ પંજાબમાં કર્યો છે. હાલમાં તે વિદેશમાં સ્થાયી છે. ક્યારેક તે કેનેડામાં હોય છે તો ક્યારેક તે અમેરિકામાં રહે છે. ભારતની બહાર રહીને તે ભારતમાં આતંકી હુમલા કરવાની ધમકી આપે છે. કેનેડામાં વસેલા હિન્દુઓને ખુલ્લેઆમ ધમકાવે છે. પન્નુનો જન્મ 14 ફેબ્રુઆરી 1967માં થયો હતો. પન્નુના પિતા પંજાબમાં એક કંપનીમાં કામ કરતા હતા, તેનો એક ભાઈ પણ છે, જે વિદેશમાં જ રહે છે.
પન્નુના માતા-પિતાનું મૃત્યુ થઈ ચૂક્યુ છે. પન્નુએ ચંદીગઢની પંજાબ યૂનિવર્સિટીમાંથી કાયદાનો અભ્યાસ કર્યો છે. તે અમેરિકામાં હાલ વકીલાત કરી રહ્યો છે. તમને જણાવી દઈએ કે પન્નુએ 2007માં ‘શીખ ફોર જસ્ટિસ’ નામનું સંગઠન બનાવ્યું હતું. જુલાઈ 2020માં ભારતે પન્નુને આતંકી જાહેર કર્યો હતો. હાલમાં પન્નુ આઈએસઆઈની મદદ લઈને ખાલિસ્તાનની મુહિમ ચલાવી રહ્યો છે.
શીખ ફોર જસ્ટિસ સંગઠનનો પ્રમુખ પન્નુ ભારતનો વોન્ટેડ આતંકી છે. સમગ્ર દેશમાં તેની સામે 16 કેસ દાખલ છે. દિલ્હી, પંજાબ, હિમાચલ પ્રદેશ, હરિયાણા અને ઉત્તરાખંડમાં ખાલિસ્તાની મૂવમેન્ટને લઈ તેની પર આ કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેની પર પંજાબના સરહિંદમાં UAPA હેઠળ કેસ દાખલ છે.