Twitter map controversy : જમ્મુ-કાશ્મિર લદ્દાખને અલગ દેશ બતાવવા બદલ ટ્વિટર ઈન્ડિયાના એમડી સામે કેસ

Twitter controversy : જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને ભારતથી અલગ દેશ તરીકે બતાવવા બદલ યુપીના બુલંદ શહેરમાં ટ્વિટર ઇન્ડિયાના એમડી મનીષ મહેશ્વરી (Manish Maheshwari ) સામે કેસ નોંધવામાં આવ્યો છે.

Twitter map controversy : જમ્મુ-કાશ્મિર લદ્દાખને અલગ દેશ બતાવવા બદલ ટ્વિટર ઈન્ડિયાના એમડી સામે કેસ
ભારતનો ખોટો નકશો પ્રદર્શીત કરવા બદલ ટ્વિટર ઈન્ડિયાના એમડી સામે કેસ દાખલ
| Edited By: | Updated on: Jun 29, 2021 | 9:20 AM

Twitter map controversy : ટ્વિટરે તેની વેબસાઇટ ઉપર જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને અલગ દેશ તરીકે વર્ણાવતો નકશો પ્રદર્શીત કર્યા બાદ સર્જાયેલા વિવાદને પગલે, વેબસાઈટ પરથી નકશો પાછો ખેચી લીધો હતો. પરંતુ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને ભારતથી અલગ બતાવવાની ગંભીર બેદરકારી અંગે, ઉતરપ્રદેશના બુલંદ શહેરમાં, ટ્વિટર ઇન્ડિયાના એમડી મનીષ મહેશ્વરી ( Manish Maheshwari ) સામે બજરંગ દળના નેતાએ ફરીયાદ નોંધાવતા કેસ દાખલ કરવામાં આવ્યો છે.

સમાચાર સંસ્થાના અહેવાલ અનુસાર, ટ્વિટર ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર મનીષ મહેશ્વરી પર આઈપીસીની કલમ 505 (2) અને આઈટી અધિનિયમ 2008 ની કલમ હેઠળ ભારતને વિભાજીત સ્વરૂપે નકશમાં દર્શાવવા બદલ કેસ દાખલ કરાયો છે.

આ નકશો ગઈકાલે સોમવારે સવારે જ ટ્વિટરની વેબસાઇટ પર દર્શાવવામાં આવ્યો હતો. વાંધાજનક નકશો વેબસાઇટ પર ‘ટ્વેપ લાઇફ’ નેજા હેઠળ પ્રદર્શીત કરાયો હતો. ભારતમાં આઇટીના નવા નિયમો અંગે ટ્વિટર કંપની અને કેન્દ્ર સરકાર વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. આ દરમિયાન, વિવાદિત નકશા પ્રદર્શીત કરવા અંગે ટ્વિટરના ઇરાદા ઉપર સવાલો ઉભા થયા છે. આ સમગ્ર ઘટનાને કારણે ટ્વિટર કંપનીને ભારે ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો ટ્વિટ કરીને તેમની આ પ્રકારની કામગીરીને વખોડી રહ્યા છે.

નકશો પ્રદર્શીત કરવાના મુદ્દે વિવાદ સર્જાતા, ટ્વિટરે તેની વેબસાઇટ પરથી ભારતનો ખોટો નકશો કાઢી નાખ્યો છે. વેબસાઇટ પર દર્શાવેલા નકશામાં લદાખ અને જમ્મુ-કાશ્મીરને ભારતથી અલગ દેશ તરીકે દર્શાવ્યા હતા. આ વિવાદ સામે સરકારે ટ્વિટર સામે પણ કડક વલણ અપનાવ્યું હતું. કેન્દ્ર સરકાર દ્વારા ટ્વિટર સામે ભારતના કાયદા અનુસાર દાખલારૂપ કાર્યવાહી થઈ શકે તે માટે સંબધિત ઘટનાના પુરાવાઓ એકઠા કરવાના આદેશ આપી દેવાયા છે.