
કેટલાક લગ્નો ફૂલોની સજાવટ માટે યાદ રાખવામાં આવે છે, તો કેટલાક ખાસ સંગીત માટે યાદ રાખવામાં આવે છે. જો કે, કેરળના ચંગનાસ્સેરીમાં થયેલા એક લગ્ન તેમની અત્યંત ખાસ વિશેષતા માટે હંમેશા યાદ રાખવામાં આવશે, કારણ કે આ લગ્નમાં લગભગ દરેક મુખ્ય ભૂમિકા જોડિયા (ટ્વિન્સ) લોકોએ ભજવી હતી.
ગુરુવારે ચંગનાસ્સેરી મેટ્રોપોલિટન ચર્ચમાં જ્યારે લગ્ન સમારોહ શરૂ થયો, ત્યારે અખિલ કે. થોમસે ‘મેગી મેરી થોમસ’નો હાથ પકડ્યો. બીજીબાજુ તેમના જોડિયા ભાઈ નિખિલ કે. થોમસ મેગીની જોડિયા બહેન ‘મારિયા મેરી થોમસ’ સાથે તેમની બાજુમાં ઊભા હતા.
A rare Catholic wedding in the Indian state of Kerala: twin sisters married twin brothers, with twin priests blessing the marriage and twin altar servers assisting at the altar pic.twitter.com/GLpw0F7chj
— Sachin Jose (@Sachinettiyil) July 31, 2026
આ અનોખી ઉજવણી ત્યારે વધુ ખાસ બની ગઈ, જ્યારે જોડિયા પાદરીઓએ લગ્ન વિધિ સંપન્ન કરાવી અને જોડિયા ઓલ્ટર બોય્સે તેમને મદદ કરી. કાંજીરાપલ્લી ડાયોસિઝના જોડિયા પાદરી ફાધર એન્ટો પેઝુમકાટ્ટિલ અને ફાધર અજો પેઝુમકાટ્ટિલે આ લગ્ન સમારોહનું નેતૃત્વ કર્યું હતું. આ સિવાય, પાલાના રહેવાસી જોડિયા ભાઈઓ જેરોન જેમ્સ અને જોહોન જેમ્સે ઓલ્ટર પર તેમની મદદ કરી હતી.
બંને પરિવાર માટે આ માત્ર એક લગ્ન નહોતા પરંતુ એ સપના પૂરા થવાનો દિવસ હતો, જે તેઓ વર્ષોથી સેવી રહ્યા હતા. વરરાજા, અખિલ અને નિખિલ, ચંગનાસ્સેરીના વેટ્ટુપરંબિલ નિવાસી કુંજુમન થોમસ અને જોમોલના જોડિયા પુત્રો છે.
કન્યા ‘મેગી અને મારિયા’ પઠાનમથિટ્ટા જિલ્લાના કુલાથૂર સ્થિત કુંબુલુવેલિલના ટોમીચન તેમજ મેરીકુટ્ટીની જોડિયા પુત્રી છે. દરેક મહત્વપૂર્ણ ભૂમિકામાં જોડિયા લોકોનું હોવું એ કોઈ સંયોગ નહોતો.
જોડિયા બહેનોએ પોતે જ જોડિયા પાદરીઓની શોધ કરી હતી અને અંતે કોથાનલ્લૂરના એક ચર્ચ દ્વારા તેમને શોધી કાઢ્યા હતા, જે જોડિયા લોકોની સભાઓ માટે ખૂબ જાણીતું છે.
Twin brides, twin grooms, twin priests, and twin altar servers, a rare Catholic wedding took place in the Indian state of Kerala pic.twitter.com/no6kO52iEp
— Sachin Jose (@Sachinettiyil) August 1, 2026
જોડિયા બહેનોએ કહ્યું કે, “બાળપણથી જ અમારું સપનું હતું કે, અમારા લગ્નમાં ચારેય તરફ જોડિયા લોકો જ હોય. અમારા માતા-પિતા અને પરિવારની પણ આ જ ઈચ્છા હતી. ઈસુ ખ્રિસ્તે આ સપનું પૂરું કર્યું. એવામાં જ્યારે અમે પાદરીઓને આમંત્રણ આપ્યું, ત્યારે તેઓ તરત જ આવવા માટે તૈયાર થઈ ગયા.”
પાદરીઓએ પણ આ સમારોહને જીવનભર યાદ રહી જાય તેવો અનુભવ ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું કે, જોડિયા લોકોના લગ્ન કરાવવા ખૂબ જ ખાસ છે. આ એક એવો અનુભવ છે, જે અમને આખી જિંદગીની યાદો આપે છે.
પોતાના જોડિયા હોવાના જીવન પર વિચાર વ્યક્ત કરતા તેમણે આગળ કહ્યું, “તેઓ એકસાથે જન્મ્યા અને એકસાથે નવું જીવન શરૂ કરી રહ્યા છે. અમે પણ એકસાથે જ ધર્મગુરુ (પાદરી) બનવાની દિશામાં કદમ મૂક્યા હતા. આ ખૂબ જ સુંદર યાદો છે.”
આમાં ભલે દુલ્હા-દુલ્હનના કરિયરના રસ્તા અલગ-અલગ હોય પરંતુ આ દિવસે તેમણે એકસાથે પોતાના જીવનનો નવો અધ્યાય શરૂ કર્યો. આ નવી શરૂઆત એવા લોકો વચ્ચે થઈ કે, જેમનું જીવન પણ તેમની જેમ જ જન્મથી એકબીજા સાથે જોડાયેલું રહ્યું છે. મહેમાનો માટે આ અન્ય કોઈપણ લગ્ન કરતાં સાવ અલગ અને અનોખા હતા.
બીજી તરફ, પરિવારો માટે આ બાળપણના સપનાનું ખુશી-ખુશી પૂરું થવું હતું. જણાવી દઈએ કે, બંને ભાઈઓ મર્ચન્ટ નેવીમાં કામ કરે છે અને બહેનો આઈટી (IT) ક્ષેત્રમાં કાર્યરત છે.
Published On - 4:46 pm, Sat, 1 August 26