દેશમાં કોરોનાના (Corona) વધતા જતા કેસ વચ્ચે આરોગ્ય કર્મચારીઓ, ફ્રન્ટ લાઇન વર્કર્સ અને 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને બૂસ્ટર (પ્રીકોશન) ડોઝ (Precautionary Dose) આપવાની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. નેશનલ હેલ્થ મિશનના એડિશનલ સેક્રેટરી અને મિશન ડાયરેક્ટર વિકાસ શીલે મીડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે ‘પ્રીકોશન ડોઝ’ માટે ઓનલાઈન એપોઈન્ટમેન્ટની સુવિધા કો-વિન પર લાઈવ કરવામાં આવી છે. આનો અર્થ એ થયો કે જેમને પ્રીકોશન ડોઝ લેવાનું કહેવામાં આવ્યું છે તેઓ હવે ઓનલાઈન એપોઈન્ટમેન્ટ લઈ શકશે.
તમને જણાવી દઈએ કે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે પહેલાથી જ માહિતી આપી છે કે કોરોના રસીના બૂસ્ટર ડોઝ લેવા માટે નવા રજિસ્ટ્રેશનની જરૂર પડશે નહીં. જે લોકોએ COVID-19 રસીના બે ડોઝ મેળવ્યા છે તેઓ કોઈ પણ રસીકરણ કેન્દ્રમાં સીધી મુલાકાત લઈ શકે છે. ઓનલાઈન એપોઇન્ટમેન્ટ સાથે રસીકરણ 10 જાન્યુઆરીથી શરૂ થશે.
જણાવી દઈએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં ત્રીજી રસી તરીકે નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને પ્રીકોશન ડોઝ લાગુ કરવાની જાહેરાત કરી હતી. તમને જણાવી દઈએ કે, હેલ્થકેર અને ફ્રન્ટલાઈન વર્કર્સને પણ વેક્સીનનો બૂસ્ટર ડોઝ આપવામાં આવશે. જે 10 જાન્યુઆરીથી શરૂ કરવામાં આવશે.
જે લોકોએ બે ડોઝ લીધા છે તેઓએ ફરીથી નોંધણી કરવાની રહેશે નહીં
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે જેમણે કોરોના વેક્સીનના બંને ડોઝ લીધા છે તેમને નવેસરથી નોંધણી કરાવવાની જરૂર રહેશે નહીં. સ્વાસ્થ્ય મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે આ લોકોએ તેમની રસી માટે રસીકરણ કેન્દ્રમાં જ તેમની એપોઇન્ટમેન્ટ લેવી પડશે. જો તેઓ કોઈ પણ કારણથી અપોઈમેન્ટ નથી લઈ શક્તા તો તેઓ સીધા રસીકરણ કેન્દ્ર પર જઈને પણ રસી કરાવી શકે છે.
રસીમાં કોઈપણ પ્રકારનું મિશ્રણ કરવામાં આવશે નહીં
કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે હેલ્થકેર અને ફ્રન્ટલાઈન વર્કર્સ અને 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોને આપવામાં આવનાર બૂસ્ટર વેક્સીનનો ડોઝ પ્રથમ બે ડોઝ જેવો જ હશે. નીતિ આયોગના એક સભ્યના જણાવ્યું કે, જેમને કોવૅક્સિન મળી છે, તેમને જ કોવૅક્સિન આપવામાં આવશે. જેમણે કોવિશિલ્ડના પ્રાથમિક બે ડોઝ મેળવ્યા છે તેમને કોવિશિલ્ડનો જ બૂસ્ટર ડોઝ આપવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું કે, રસીમાં કોઈપણ પ્રકારનું મિશ્રણ કરવામાં આવશે નહીં.