દેશમાં ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે અને એવામાં દરેક પાર્ટી જોરશોરમાં પ્રચારમાં લાગી પડી છે અને વાતાવરણ પોતાના તરફી કરવા તનતોડ મહેનત કરી રહી છે. આ પ્રકારની મહેનતમાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી પણ લાગી પડ્યા છે. રાહુલ ગાંધીએ રાજસ્થાનમાં ઉદયપુરના વલ્લભનગર પહોંચ્યા. તેમને અહીં એક વિશાળ જનસભાને સંબોધિત કરતા ભાજપ પર દેશમાં નફરત ફેલાવવાનો આરોપ લગાવ્યો છે.
રાહુલ ગાંધીએ પોતાના સંબોધનમાં કહ્યું કે ભાજપ ઈચ્છતી જ નથી કે ગરીબ અને પછાત વર્ગ આગળ આવે, તે ઈચ્છે છે કે દેશનો દરેક ગરીબ, ગરીબ જ રહે. તેમને કહ્યું કે સવાલ તો એ છે કે ભાજપ દેશમાં નફરત કેમ ફેલાવી રહ્યું છે? નફરતનું કારણ બેરોજગારી અને મોંઘવારી છે. ભાજપ તમારૂ ધ્યાન બેરોજગારી અને મોંઘવારીથી હટાવી નફરત તરફ લઈ જઈ રહી છે. ભાજપ અને આરએસએસનું લક્ષ્ય આ જ છે કે ગરીબો, મજૂરો, ખેડૂતો આદિવાસીઓ અને દલિતોને પૈસાથી દુર રાખવામાં આવે.
રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે હિન્દુસ્તાન સોનાની ચીડિયા છે અને ભાજપ અને આરએસએસવાળા ઈચ્છે છે કે આ સોનાની ચિડિયાનું તમામ ધન અરબપતિઓને આપવામાં આવે અને આદિવાસી, પછાત લોકો આ ધન વિશે સવાલ ના ઉઠાવે. ભાજપ કહે છે કે હિન્દી શીખો, ભાજપના નેતાઓના બાળકો સારી ઈંગ્લિશ મીડિયમ શાળામાં ભણે છે, કારણ કે તે જાણે છે કે નોકરી મેળવવા માટે અંગ્રેજી આવડવુ કેટલુ જરૂરી છે પણ તે લોકો નથી ઈચ્છતા કે ગરીબના બાળકો ઈંગ્લિશ શીખે.
રાહુલ ગાંધીએ કહ્યું કે વડાપ્રધાન મોદી પોતાના આગળના ભાષણોમાં આદિવાસીને વનવાસી કહેતા હતા પણ મેં કહ્યું ત્યારબાદ તેમને વનવાસી શબ્દનો ઉપયોગ કરવાનો બંધ કરી દીધો. કોંગ્રેસ હંમેશા આદિવાસીઓના અધિકારીઓની રક્ષા કરતી રહેશે. અમે તમારી સાથે ઉભા રહીને તમને સારૂ શિક્ષણ, ફ્રીમાં સ્વાસ્થ્ય સેવાઓ અને તમારા હકનું પાણી અપાવીશું. અમારૂ લક્ષ્ય ભાજપે ફેલાવેલી નફરત અને હિંસા સામે ઉભા રહેવાનું હતું, કારણ કે આ દેશ નફરતનો નહીં, મોહબ્બતનો દેશ છે.
દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો