રાજસ્થાનના (Rajasthan) બિકાનેર જિલ્લાના મહાજન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોમવારે સવારે એક શંકાસ્પદ કબૂતર પકડાયું છે. મળતી માહિતી મુજબ મહાજન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાકિસ્તાનથી ઉડતા એક કબૂતર તેજાણા નજીક 7 BHMમાં મળી આવ્યું હતું. સમાચાર મળતા જ મહાજન પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે જણાવ્યું કે, કબૂતરના પંજામાં વીંટી છે અને તેની પાંખ પર પાકિસ્તાની મોબાઇલ નંબર લખેલ છે. આ ઘટના સામે આવ્યા બાદ મહાજન ફાયરિંગ રેન્જમાંથી ગુપ્તચર અધિકારીઓ પણ સક્રિય થયા છે.
પાકિસ્તાન ભૂતકાળમાં રાજસ્થાનના સરહદી વિસ્તારમાં પોતાનું જાસૂસી નેટવર્ક ફેલાવવા માટે કબૂતરોનો ઉપયોગ કરતું રહ્યું છે. કબૂતર પાકિસ્તાન તરફથી સતત આવતા રહ્યા છે અને પકડાયા છે. જેના પર ક્યારેક ચિઠ્ઠી જોવા મળી છે તો કોઈ પર સ્ટેમ્પ લગાડવામાં આવ્યા હોય છે. લગભગ એક મહિના પહેલા રાજસ્થાનના શ્રી ગંગા નગરમાં ઘાડસણામાં એક કબૂતર મળ્યું હતું. આ કબૂતર એક ખેતરમાં બેઠેલું જોવા મળ્યું હતું અને તેની પાંખો રંગવામાં આવી હતી. ગામના સરપંચે પોલીસને આ બાબતની જાણ કરી હતી, ત્યારબાદ કબૂતરને પોલીસે કબજે કર્યું હતું.
તાજેતરમાં અમૃતસરમાં એક આવું જ કબૂતર પકડાયું હતું જે પાકિસ્તાનથી આવ્યું હતું અને તેના પગ પર કાપલીઓ બાંધી હતી. ખાસ વાત એ છે કે, જ્યારે આ કબૂતર ઉડતું આવ્યું ત્યારે તે BSF જવાનના ખભા પર બેસી ગયું હતું. બાદમાં કાર્યવાહિ માટે કબૂતર બાદમાં પોલીસકર્મીઓને સોંપવામાં આવ્યું હતું.