ગુજરાતના પંચમહાલ જિલ્લામાં આવેલ ગોધરા રેલવે સ્ટેશને 2002ના વર્ષમાં ગોધરા ટ્રેન સળગાવવાના કેસમાં દોષિતોની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટ 10 એપ્રિલ, સોમવારે સુનાવણી કરશે. આ અરજી ગોધરા ટ્રેન કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા લોકો દ્વારા કરવામાં આવી છે. આ કેસની સુનાવણી સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડ, જસ્ટિસ પી.એસ. નરસિમ્હા અને જસ્ટિસ જે. બી. પારડીવાલાની પીઠ કરશે.
સુપ્રીમ કોર્ટ જામીન અરજીઓ તેમજ દોષિતોની સજાને પડકારતી અરજીઓ પર સુનાવણી કરશે. અગાઉ 24 માર્ચે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે તે દોષિતોની જામીન અરજીના નિકાલ માટે આગામી તારીખે આ મામલાની સુનાવણી કરશે. આ મામલામાં ગુજરાત સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાની દલીલોની સુનાવણી દરમિયાન કોર્ટે આ વાત કહી હતી.
તુષાર મહેતાએ અરજીમાં એવી રજૂઆત કરી હતી કે તેમણે કેટલાક દોષિતોના સંબંધમાં કેટલીક હકીકતલક્ષી વિગતોની ચકાસણી કરવી પડશે. સુપ્રીમ કોર્ટે એક દોષિતને આપવામાં આવેલી જામીન એ આધાર પર લંબાવી હતી કે તેની પત્ની કેન્સરથી પીડિત હતી. તુષાર મહેતાએ તબીબી આધાર પર જામીન લંબાવવાનું સમર્થન કર્યું હતું.
અગાઉ 17 માર્ચે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે તે 24 માર્ચે ગુજરાત સરકારની અપીલ અને આ કેસમાં અનેક આરોપીઓની જામીન અરજી પર સુનાવણી કરશે. ગુજરાત સરકાર તે દોષિતોને ફાંસીની સજા આપવા માટે દબાણ કરશે, જેમની સજા હાઈકોર્ટ દ્વારા આજીવન કેદમાં પરિવર્તિત કરવામાં આવી છે.
સોલિસિટર જનરલ મહેતાએ કોર્ટમાં કહ્યું હતું કે, “આ કેસ દુર્લભ કેસોમાંનો એક છે. અમે ગુનેગારોને ફાંસીની સજા આપવાનો આગ્રહ રાખીશું. આ કેસમાં મહિલાઓ અને બાળકો સહિત 59 લોકોને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા.
તેણે કોર્ટને કહ્યું કે આ મામલામાં બધાને ખબર હતી કે ટ્રેનની બોગીને બહારથી લોક કરીને આગ લગાડવામાં આવી હતી. આ કેસમાં નીચલી અદાલતે 11 દોષિતોને ફાંસીની સજા સંભળાવી હતી અને અન્ય 20ને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી હતી. મહેતાએ કહ્યું કે હાઈકોર્ટે આ કેસમાં 31 લોકોને દોષિત ઠેરવ્યા અને 11 દોષિતોની ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવી દીધી. ઉલ્લેખનીય છે કે, 27 ફેબ્રુઆરી 2002ના રોજ ગુજરાતના ગોધરામાં ટ્રેનમાં આગ લાગવાની ઘટનામાં 59 લોકોના મોત થયા હતા.
દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…
Published On - 7:58 am, Mon, 10 April 23