
દિલ્હીમાં (Delhi) ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ વિરુદ્ધની અરજી પર સુપ્રીમ કોર્ટે (Supreme Court) સ્પષ્ટ કહ્યું છે કે લોકોને સ્વચ્છ હવામાં શ્વાસ લેવાની છૂટ આપવી જોઈએ. ફટાકડાથી (Firecracker) બચેલા પૈસા મીઠાઈ પાછળ ખર્ચવા જોઈએ. ભાજપના નેતા મનોજ તિવારીએ ફટાકડા પર પ્રતિબંધ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી, જેના પર તેમણે દિવાળીના તહેવારને કારણે વહેલી સુનાવણી કરવાની માગ કરી હતી. કોર્ટે તેનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. જણાવી દઈએ કે મનોજ તિવારીએ 23 સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટમાં આ અરજી દાખલ કરી હતી.
અરજીમાં એવી દલીલ કરવામાં આવી છે કે જીવનના અધિકારના બહાને ધાર્મિક સ્વતંત્રતા સાથે ચેડા કરી શકાય નહીં. મનોજ તિવારીએ સુપ્રીમ કોર્ટમાં દિવાળી પર ફટાકડા ફોડવા અને વેચવા સંબંધિત નિયમો માટે નવી માર્ગદર્શિકા જાહેર કરવાની અપીલ કરી હતી. તિવારીએ આ અરજીમાં એવી પણ અપીલ કરી હતી કે જે લોકો ફટાકડા વેચે છે અથવા તેનો ઉપયોગ કરી રહ્યા છે તેના પર FIR જેવી શિક્ષાત્મક કાર્યવાહી ન કરવી જોઈએ. આ માટે સુપ્રીમ કોર્ટે પણ નિર્દેશ જાહેર કરવા જોઈએ.
દિલ્હીમાં 2020થી દિવાળી પર ફટાકડાના વેચાણ અને ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ છે. હરિયાણા પણ આ મામલે પાછળ નથી. ગત વર્ષે 14 જિલ્લામાં ફટાકડાના ઉપયોગ અને વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. દિલ્હીમાં ફટાકડા ફોડનાર વ્યક્તિને 6 મહિનાની જેલ અથવા 200 રૂપિયાનો દંડ થઈ શકે છે. દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે કહ્યું હતું કે જો કોઈ દિલ્હીમાં ફટાકડા બનાવતા, સ્ટોર કરતા અથવા વેચતા પકડાશે તો તેની સામે એક્સપ્લોઝિવ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. જેમાં તેના પર 5 હજાર સુધીનો દંડ અને 3 વર્ષ સુધીની કેદની જોગવાઈ છે.
દિલ્હી હાઈકોર્ટ સમક્ષ ફટાકડા સંબંધિત મુદ્દાઓ પેન્ડિંગ હોવાથી, દિલ્હી હાઈકોર્ટે ગુરુવારે તમામ પ્રકારના ફટાકડાના વેચાણ અને ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવાના દિલ્હી પ્રદૂષણ નિયંત્રણ સમિતિ (DPCC) ના નિર્ણયને પડકારતી અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો.
જસ્ટિસ યશવંત વર્માએ તહેવારો દરમિયાન માત્ર ગ્રીન ફટાકડા ખરીદવા, વેચવા અને સ્ટોક કરવાની પરવાનગી માંગતી બે વેપારીઓની અરજીને ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું કે હાઈકોર્ટ માટે આવા મામલાને સ્વતંત્ર રીતે જોવું યોગ્ય નથી, કારણ કે આ મુદ્દો સુપ્રીમ કોર્ટનું ધ્યાન આકર્ષિત કરશે. જોકે કોર્ટે કહ્યું કે અરજદારો તેમની ફરિયાદોના નિવારણ માટે કાયદા હેઠળ યોગ્ય પગલાં લેવા માટે સ્વતંત્ર છે.
Published On - 5:03 pm, Thu, 20 October 22