હાઈવે પર ગેરકાયદે પાર્કિંગ અને દબાણો પર પ્રતિબંધ; દર 75 કિમીએ એમ્બ્યુલન્સ-ક્રેન તૈનાત કરવા અને બ્લેકસ્પોટ સુધારવા સુપ્રીમ કોર્ટેનો આદેશ

દેશમાં વધતા જતા માર્ગ અકસ્માતો પર સુપ્રીમ કોર્ટે લાલ આંખ કરી છે. નવેમ્બર 2025ના ગમખ્વાર અકસ્માતો બાદ કોર્ટે નવો ફતવો બહાર પાડ્યો છે, જેમાં હાઈવે પર પાર્કિંગ પર સંપૂર્ણ પ્રતિબંધ અને સુરક્ષા માટે સ્પેશિયલ ટાસ્ક ફોર્સની રચના કરવા જેવા કડક નિર્દેશો અપાયા છે.

હાઈવે પર ગેરકાયદે પાર્કિંગ અને દબાણો પર પ્રતિબંધ; દર 75 કિમીએ એમ્બ્યુલન્સ-ક્રેન તૈનાત કરવા અને બ્લેકસ્પોટ સુધારવા સુપ્રીમ કોર્ટેનો આદેશ
Image Credit source: TV9 Network
| Updated on: Apr 18, 2026 | 9:34 PM

ભારતના હાઈવે હવે માત્ર મુસાફરીના માધ્યમ નહીં પણ સુરક્ષિત રસ્તાઓ બને તે માટે સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક હસ્તક્ષેપ કર્યો છે. દેશમાં વધી રહેલા માર્ગ અકસ્માતોને લઈને કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે સુરક્ષિત રસ્તા પર ચાલવું એ દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર છે. નવેમ્બર 2025માં રાજસ્થાન અને તેલંગાણામાં થયેલા ગોઝારા અકસ્માતો, જેમાં 34 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા, તેને ધ્યાને લઈ કોર્ટે આ કડક વલણ અપનાવ્યું છે.

હાઈવે પર ક્યાંય પણ વાહન ઊભું રાખવા પર પ્રતિબંધ

સુપ્રીમ કોર્ટના નવા આદેશ અનુસાર, હવે રાષ્ટ્રીય રાજમાર્ગો પર ગમે ત્યાં ગાડી ઊભી રાખવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. વાહનો માત્ર નક્કી કરેલા પાર્કિંગ પ્લોટમાં જ થોભાવી શકાશે. આ નિયમનું પાલન કરાવવા માટે કેમેરા અને GPS ટ્રેકિંગની મદદ લેવામાં આવશે. વધુમાં, હાઈવેની આસપાસના ગેરકાયદેસર ઢાબા, દુકાનો અને દબાણોને તાત્કાલિક અસરથી દૂર કરવા આદેશ અપાયા છે. દરેક જિલ્લામાં હવે પ્રશાસન, પોલીસ અને NHAIની બનેલી ‘હાઈવે સેફ્ટી ટાસ્ક ફોર્સ’ સતત દેખરેખ રાખશે.

ગોલ્ડન અવરમાં મદદ પહોંચાડવા માટેનું આયોજન

અકસ્માત બાદ સમયસર સારવાર મળે તે હેતુથી કોર્ટે દરેક 75 કિલોમીટરના અંતરે એમ્બ્યુલન્સ અને ક્રેન તૈનાત રાખવાનો આદેશ આપ્યો છે. જે સ્થળો પર વારંવાર અકસ્માત સર્જાય છે, તેવા ‘બ્લેકસ્પોટ્સ’ પર વધુ લાઈટિંગ, હાઈ-ટેક કેમેરા અને ચેતવણીના બોર્ડ લગાવવા ફરજિયાત બનાવ્યું છે.

ચિંતાજનક આંકડા અને 75 દિવસનું અલ્ટીમેટમ

સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે દેશના કુલ રોડ નેટવર્કમાં નેશનલ હાઈવેનો હિસ્સો માત્ર 2 ટકા છે, છતાં 30 ટકા ગંભીર અકસ્માતો અહીં જ થાય છે. આ ગંભીર સ્થિતિને જોતા તમામ સંબંધિત એજન્સીઓને 75 દિવસની અંદર અત્યાર સુધી કરવામાં આવેલી કામગીરીનો વિસ્તૃત રિપોર્ટ રજૂ કરવા તાકીદ કરવામાં આવી છે. હવે જોવાનું એ રહેશે કે આ નવા નિયમોથી હાઈવે પર થતા મરણનું પ્રમાણ કેટલું ઘટે છે.

બિલ નો કાયદો કેવી રીતે બને છે? જાણો સંસદમાં રજૂઆતથી લઈને રાષ્ટ્રપતિની મંજૂરી સુધીની રસપ્રદ સફર અને બહુમતીનું ગણિત

Follow Us