સુપ્રીમ કોર્ટે 40 વર્ષ બાદ વ્યક્તિને નિર્દોષ જાહેર કર્યો, જાણો કાયદાકીય ગૂંચવણોમાં કેવી રીતે બરબાદ થયું તેનું જીવન?

આ હત્યા પશ્ચિમ બંગાળના બર્દવાન જિલ્લામાં 11 માર્ચ, 1983ના રોજ થઈ હતી. મંડલને પોલીસે તેની પત્નીની હત્યાના આરોપમાં ધરપકડ કરી હતી કારણ કે તેમણે તેના 3 સાથી સામે તેની પત્નીની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. પરંતુ 1987માં પૂરતા પુરાવાના અભાવે ટ્રાયલ કોર્ટે તેમને મુક્ત કર્યા હતા.

સુપ્રીમ કોર્ટે 40 વર્ષ બાદ વ્યક્તિને નિર્દોષ જાહેર કર્યો, જાણો કાયદાકીય ગૂંચવણોમાં કેવી રીતે બરબાદ થયું તેનું જીવન?
| Edited By: | Updated on: Mar 11, 2023 | 12:44 PM

સુપ્રીમ કોર્ટે નિખિલ ચંદ્ર મંડલ નામના વ્યક્તિને 40 વર્ષ પછી પત્નીની હત્યાના આરોપમાંથી મુક્ત કરી દીધો છે. નિખિલની 40 વર્ષ પહેલા પશ્ચિમ બંગાળ પોલીસે હત્યાના આરોપમાં ધરપકડ કરી હતી. આ પછી 1987માં ટ્રાયલ કોર્ટે તેમને નિર્દોષ માનીને છોડી દીધા હતા. પરંતુ વર્ષ 2008માં હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટના નિર્ણયને પલટી નાખ્યો અને તેને આજીવન કેદની સજા ફટકારી.

40 વર્ષ બાદ સુપ્રીમ કોર્ટમાંથી ન્યાય મળ્યો

નિખિલ ચંદ્ર મંડલે હાઈકોર્ટના નિર્ણય સામે દેશની સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી હતી. સુપ્રીમ કોર્ટે તેમને તમામ આરોપોમાંથી મુક્ત કર્યા અને કહ્યું કે માત્ર કબૂલાતના નિવેદન એટલે કે એક્સ્ટ્રા જ્યુડિશિયલ કબૂલાતના આધારે દોષિત ઠેરવી શકાય નહીં કારણ કે તે નક્કર પુરાવા નથી. છેલ્લા 40 વર્ષોમાં, મંડલનું જીવન કાયદાકીય ગૂંચવણોમાં બરબાદ થઈ ગયું હતું અને ન્યાય મેળવવા માટે લાંબી લડાઈ લડવી પડી હતી. હવે 40 વર્ષ બાદ તેમને સુપ્રીમ કોર્ટમાંથી ન્યાય મળ્યો છે.

ગ્રામજનોની સામે ગુનો કબૂલી લીધો

વાસ્તવમાં આ હત્યા પશ્ચિમ બંગાળના બર્દવાન જિલ્લામાં 11 માર્ચ, 1983ના રોજ થઈ હતી. મંડલને પોલીસે તેની પત્નીની હત્યાના આરોપમાં ધરપકડ કરી હતી કારણ કે તેમણે તેના 3 સાથી સામે તેની પત્નીની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. પરંતુ 1987માં પૂરતા પુરાવાના અભાવે ટ્રાયલ કોર્ટે તેમને મુક્ત કર્યા હતા. આ પછી, કલકત્તા હાઈકોર્ટની બેન્ચે વર્ષ 2008માં નિખિલ મંડલને હત્યાનો દોષી માનીને આજીવન કેદની સજા ફટકારી હતી.

વર્ષ 2009માં સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો

વર્ષ 2009માં મંડલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. તેમની અપીલ જજ બી.આર. ગવઈ અને જસ્ટિસ સંજય કરોલની બેન્ચ સમક્ષ 14 વર્ષ પેન્ડિંગ રહી હતી. ખંડપીઠે ટ્રાયલ કોર્ટના નિર્ણયને યોગ્ય ઠેરવતા મંડલને નિર્દોષ જાહેર કર્યો હતો. જસ્ટિસ ગવઈએ પોતાના ચુકાદામાં લખ્યું છે કે, આ કેસ સંપૂર્ણપણે સંજોગોવશાત્ પુરાવા પર આધારિત છે.

જસ્ટિસ ગવઈ અને કરોલે પણ પુરાવા તરીકે સાક્ષીઓના નિવેદનોને વિરોધાભાસી ગણાવ્યા હતા. ખંડપીઠે કહ્યું, આ કાયદાનો સ્થાયી સિદ્ધાંત છે કે શંકા ભલે ગમે તેટલી ઊંડી અને મજબૂત હોય, પુરાવાનું સ્થાન લઈ શકતી નથી. જ્યાં અસાધારણ કબૂલાત શંકાસ્પદ સંજોગોથી ઘેરાયેલી હોય છે, ત્યાં તેની વિશ્વસનીયતા શંકાસ્પદ બને છે અને તે તેનું મહત્વ ગુમાવે છે.

Published On - 12:44 pm, Sat, 11 March 23