અરુણાચલ પ્રદેશ (Arunachal Pradesh)માં કોવિડ-19 (Covid 19)ના 319 નવા કેસ આવ્યા બાદ રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા વધીને 48,884 થઈ ગઈ છે. રાજ્ય સર્વેલન્સ ઓફિસર (SSO) ડો.એલ.જામ્પાએ કહ્યું કે છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે મૃત્યુનો કોઈ નવો કેસ નોંધાયો નથી અને મૃત્યુઆંકનો આંકડો 234 છે. નવા 319 કેસમાંથી મહત્તમ 88 કેપિટલ કોમ્પ્લેક્સ વિસ્તારમાં પાપુમપરામાં 44, લોઅર સુબનસિરીમાં 35, પૂર્વ સિયાંગમાં 19, લોહિતમાં 16, કામલે અને ત્વાંગમાં 13-13, વેસ્ટ કામેંગ અને નામસાઈમાં 12-12 અને ઈસ્ટ કામેંગમાં 9 કેસ નોંધાયા છે.
અધિકારીએ કહ્યું કે નવા 319 કેસોમાંથી 296 કેસ ‘રેપિડ એન્ટિજેન’ ટેસ્ટમાં, 10 RT-PCR ટેસ્ટમાં અને 13 ‘ટ્રુનેટ’ ટેસ્ટમાં મળી આવ્યા છે. આમાંથી 136 લોકોમાં કોવિડ -19ના લક્ષણો જોવા મળ્યા હતા. હાલમાં રાજ્યમાં 3,352 લોકો કોરોના વાયરસ માટેની સારવાર હેઠળ છે. મંગળવારે 475 લોકો સ્વસ્થ થયા પછી રાજ્યમાં સંક્રમણ મુક્ત લોકોની સંખ્યા વધીને 45,298 થઈ ગઈ.
દર્દીઓનો રિકવરી રેટ 92.66 ટકા
જામ્પાએ જણાવ્યું હતું કે રાજ્યમાં દર્દીઓની રિકવરીનો દર 92.66 ટકા છે અને સંક્રમણનો દર 5.55 ટકા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોવિડ -19 માટે કુલ 9,52,988 નમૂનાઓની ચકાસણી કરવામાં આવી છે. આ દરમિયાન સ્ટેટ ઈમ્યુનાઈઝેશન ઓફિસર ડો.દિમોંગ પાડુંગે માહિતી આપી કે જાન્યુઆરીમાં રસીકરણ અભિયાન શરૂ થયું ત્યારથી અત્યાર સુધીમાં રાજ્યમાં 8,64,240 લોકોને કોવિડ -19 વિરોધી રસીઓના ડોઝ આપવામાં આવ્યા છે.
દેશમાં કોરોનાના 42,625 નવા કેસ
દેશમાં ફરી કોરોના વાયરસના કેસોમાં વધારો થયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલ અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોનાના 42,625 નવા કેસ નોંધાયા છે, જે ગઈકાલના કેસ કરતા 12 હજાર વધારે છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા છ દિવસથી દેશમાં સતત 40 હજારથી વધુ કોરોના કેસ નોંધાઈ રહ્યા છે. જો કે ગઈકાલે 30,549 કેસ આવ્યા હતા, પરંતુ આજે ફરી એકવાર 40 હજારથી વધુ કેસોએ લોકોની ચિંતામાં વધારો કર્યો છે.
વૈજ્ઞાનિકો ત્રીજી લહેરની આગાહી પહેલાથી જ કરી રહ્યા છે. ત્યારે વધતા કેસો આરોગ્ય તંત્ર માટે લાલબત્તી સમાન છે. આરોગ્ય તંત્ર પણ વૈજ્ઞાનિકોની આ આગાહીને ગંભીરતાથી લઈ રહ્યા છે અને સતર્ક થઈ ગયા છે. કોરોનાની આ ત્રીજી લહેર પહેલી અને બીજી લહેર જેવી ઘાતક ન નીવડે તે માટે આરોગ્ય તંત્રએ દોડ-ધામ શરૂ કરી દીધી છે.
આ પણ વાંચો : 2019 માં મુખ્યપ્રધાનની પત્ની સાથે છેતરપિંડી કરનાર વ્યક્તિની ધરપકડ, 23 લાખ રૂપિયાની કરી હતી ઠગાઈ