ભારતમાં કોરોના રસીના 111 કરોડથી વધુ ડોઝ આપી દીધા છે. ભારત સતત રસીકરણ (Corona vaccination) ઉપર ભાર મૂકી રહ્યું છે. 35 ટકા વસ્તી કોરોના મહામારી સામે સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. આ વચ્ચે 4 દેશમાં વેક્સિન મોકલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
કેન્દ્ર સરકારે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (SII) ને સંયુક્ત રાષ્ટ્ર સમર્થિત કોવેક્સ ગ્લોબલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ હેઠળ નેપાળ, તાજિકિસ્તાન અને મોઝામ્બિકમાં એન્ટી-કોવિડ-19 રસી કોવિશિલ્ડના 50 લાખ ડોઝની નિકાસ કરવાની મંજૂરી આપી છે. સત્તાવાર સૂત્રોએ રવિવારે આ માહિતી આપી હતી.
તેમણે કહ્યું કે આ ત્રણ દેશો સિવાય SII કોવેક્સ પહેલ હેઠળ બાંગ્લાદેશમાં પણ કોવિશિલ્ડ રસીની નિકાસ કરશે. SII 23 નવેમ્બરથી કોવેક્સ પ્રોગ્રામ હેઠળ કોવિડ રસીની નિકાસ કરવાનું શરૂ કરશે અને નેપાળને 24 નવેમ્બરે કોવિશિલ્ડનું પ્રથમ કન્સાઇનમેન્ટ મળશે.
ઓક્ટોબરની શરૂઆતમાં સરકારે SII ને ‘વૅક્સીન ફ્રેન્ડશિપ’ પ્રોગ્રામ હેઠળ નેપાળ, મ્યાનમાર અને બાંગ્લાદેશમાં કોવિશિલ્ડના 10 લાખ ડોઝની નિકાસ કરવાની મંજૂરી આપી હતી. સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સરકારી અને નિયમનકારી બાબતોના નિર્દેશક પ્રકાશ કુમાર સિંહે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયને તાજેતરમાં લખેલા પત્રમાં માહિતી આપી હતી કે કંપનીએ કોવિશિલ્ડના 24,89,15,000 ડોઝનો સ્ટોક તૈયાર કર્યો છે અને સ્ટોક દિન-પ્રતિદિન વધી રહ્યો છે.
કોવોવેક્સ રસીની નિકાસ માટે પણ મંજૂરી માંગવામાં આવી હતી
આ સાથે જ, SIIએ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયને કંપનીની કોવોવેક્સ રસીની નિકાસની મંજૂરી આપવા વિનંતી કરી હતી. આ ઉપરાંત, આ સંદર્ભમાં ‘સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન’ (CDSCO) પાસેથી પણ મંજૂરી માંગવામાં આવી હતી. કંપનીએ કહ્યું હતું કે જો કોવોવેક્સ રસીને નિકાસ માટે મંજૂરી નહીં મળે તો તેને નુકસાન થઈ શકે છે. SII એ તેની અરજીમાં કહ્યું છે કે મંજૂરી વિના કોવોવેક્સ રસીના એક કરોડ ડોઝ ડિસેમ્બર 2021 સુધીમાં વેડફાઈ જશે.
તે જ સમયે, સીરમે ભારતમાં રસીકરણ માટે કોવોવેક્સ રસીના ઇમરજન્સી ઉપયોગ માટે પણ મંજૂરી માંગી હતી. જો કે સીડીએસસીઓ દ્વારા આ બાબતે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
WHOએ મંજૂર કરેલી 8 કોરોના રસીમાં મોડર્ના, ફાઈઝર-બાયોએનટેક, જોન્સન એન્ડ જોન્સન, ઓક્સફોર્ડ એસ્ટ્રાજેનિકા, કોવિશિલ્ડ, સિનોફાર્મ, સિનોવાક અને કોવેક્સિનનો સમાવેશ થાય છે.
દેશમાં રસીકરણનો દર વધારવા માટે કેન્દ્ર સરકારે તાજેતરમાં હર ઘર દસ્તક અભિયાન શરૂ કર્યું છે. હર ઘર દસ્તક અભિયાન અંતર્ગત લોકોને ઘરે ઘરે રસી આપવામાં આવી રહી છે. તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા આ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી.
આ પણ વાંચો : વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંયુક્ત કિસાન મોર્ચાનો ખુલ્લો પત્ર, આંદોલનકારી ખેડૂતોની 6 માંગણીઓ રજૂ કરી
આ પણ વાંચો : પાકિસ્તાનના કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીરને હાંસલ કરવું એ આગામી એજન્ડા: કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ