રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Russian President Vladimir Putin) 6 ડિસેમ્બરે ભારતની સત્તાવાર મુલાકાતે આવશે. જ્યાં તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) સાથે 21મી ભારત-રશિયા વાર્ષિક સમિટમાં ભાગ લેશે અને દ્વિપક્ષીય અને વિશેષ વ્યૂહાત્મક સંબંધોના તમામ આયામો પર વિગતવાર ચર્ચા કરશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ સાપ્તાહિક પ્રેસ કોન્ફરન્સમાં આ માહિતી આપી. તેમણે કહ્યું કે 6 ડિસેમ્બરે ‘2+2’ મંત્રી સ્તરીય મંત્રણા પણ થશે, જેમાં બંને દેશોના સંરક્ષણ અને વિદેશ મંત્રીઓ ભાગ લેશે.
તેમણે કહ્યું કે રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ અને રક્ષા મંત્રી સર્ગેઈ શોઈગુ ‘2+2’ મંત્રી સ્તરની મંત્રણામાં ભાગ લેવા માટે 5-6 ડિસેમ્બરે ભારત આવશે. બાગચીએ કહ્યું કે આ બેઠકમાં ભારત તરફથી રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને વિદેશ મંત્રી એસ જયશંકર ભાગ લેશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે 6 ડિસેમ્બરે રાષ્ટ્રપતિ પુતિન અને વડાપ્રધાન મોદી 21મી ભારત-રશિયા વાર્ષિક સમિટમાં ભાગ લેશે.
નોંધનીય છે કે છેલ્લી ભારત-રશિયા સમિટ સપ્ટેમ્બર 2019ના રોજ બ્લાદીબોસ્તાકમાં યોજાઈ હતી અને COVID-19 મહામારીને કારણે 2020માં યોજાઈ શકી ન હતી. બાગચીએ કહ્યું કે રાષ્ટ્રપતિ પુતિનની ભારત મુલાકાત દરમિયાન બંને પક્ષો દ્વિપક્ષીય સંબંધો અને વિશેષ વ્યૂહાત્મક જોડાણની સ્થિતિની સમીક્ષા કરશે અને તેને આગળ લઈ જવાના માર્ગો પર ચર્ચા કરશે. તેમણે કહ્યું કે બંને નેતાઓ સમાન હિત સાથે જોડાયેલા ક્ષેત્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર પણ ચર્ચા કરશે.
તે જ સમયે રશિયન દૂતાવાસના પ્રવક્તાએ ‘2+2’ મંત્રી સ્તરીય મંત્રણાના સંદર્ભમાં કહ્યું કે તેમને આશા છે કે મંત્રી એશિયા-પેસિફિક ક્ષેત્રની સ્થિતિ અને અફઘાનિસ્તાન અને સીરિયાના ઘટનાક્રમ સહિત મુખ્ય પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરશે. રશિયા એશિયા-પેસિફિકના સંદર્ભમાં ઈન્ડો-પેસિફિકનો ઉલ્લેખ કરે છે.
એમ પૂછવામાં આવતા કે શું રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની મુલાકાત દરમિયાન પેન્ડિંગ ‘AK-203’ કલાશનિકોવ રાઈફલ ખરીદી કરારને અંતિમ સ્વરૂપ આપવામાં આવી શકે છે. આ અંગે વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે ભારત અને રશિયા વચ્ચેના સંબંધોમાં સંરક્ષણ સહયોગ એક મહત્વપૂર્ણ વિષય છે, પરંતુ જ્યાં સુધી કોઈ ચોક્કસ સમજૂતીની વાત છે તો તેના વિશે માત્ર રક્ષા મંત્રાલય જ માહિતી આપી શકે છે.
S-400 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમની સપ્લાય અંગેના સવાલના જવાબમાં પણ બાગચીએ કહ્યું કે આ અંગે સંરક્ષણ મંત્રાલય વધુ સારી માહિતી આપી શકે છે. એવું માનવામાં આવે છે કે બંને પક્ષો સંરક્ષણ, વેપાર અને રોકાણ અને વિજ્ઞાન અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં કેટલાક કરારો પણ કરી શકે છે. સમિટમાં સૈન્ય તકનીકી સહયોગ માટે એક નવું માળખું અમલમાં મુકવામાં આવી શકે છે.
આ સાથે વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રે સંયુક્ત કમિશનની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે. એવું માનવામાં આવે છે કે સમિટમાં અફઘાનિસ્તાન સંબંધિત ઘટનાક્રમ સહિત પ્રાદેશિક મુદ્દાઓની પણ સમીક્ષા કરવામાં આવશે.