ભારતીય વિદેશ મંત્રાલયે (Indian Foreign Ministry) ગુરુવારે કહ્યું કે યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં (Ukraine) 15-20 ભારતીયો છે, જેઓ ત્યાંથી બહાર નીકળવા માંગે છે અને તેમને તમામ મદદ પૂરી પાડવામાં આવી રહી છે. મંત્રાલયે સ્પષ્ટતા કરી કે ‘ઓપરેશન ગંગા’ હજુ ચાલુ છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ (Arindam Bagchi) પત્રકારોને કહ્યું કે આ યુદ્ધની સ્થિતિ છે, પરંતુ જે લોકો બહાર આવવા માંગે છે તેમને બહાર કાઢવાનું કામ અમે ચાલુ રાખીશું. તેમણે કહ્યું કે ત્રણ દિવસ પહેલા સુધી ત્યાં લગભગ 50 ભારતીયો હતા. અમારો અંદાજ છે કે 15-20 લોકો તે દેશ (યુક્રેન) છોડવા માંગે છે. અન્ય એવા લોકો છે જેઓ બહાર નીકળવા માંગતા નથી. અમે અમારાથી બને તેટલી મદદ કરીએ છીએ.
બાગચીએ કહ્યું કે યુદ્ધગ્રસ્ત યુક્રેનમાંથી 22,500 ભારતીયોને પાછા લાવવામાં આવ્યા છે અને હજુ પણ કેટલાક સ્થળોએ કેટલાક લોકો છે અને આ એક ઉભરતી સ્થિતિ છે. તેમણે કહ્યું કે અમે ત્યાં રહેલા તમામ ભારતીયોના સંપર્કમાં છીએ. ભારતીય દૂતાવાસ શક્ય તમામ મદદ કરી રહ્યું છે. મંગળવારે વિદેશ મંત્રી એસ જયશંકરે રાજ્યસભામાં ભારતીયોના સુરક્ષિત સ્થળાંતરના મુદ્દાઓ પર નિવેદન આપ્યું હતું.
એસ જયશંકરે જણાવ્યું હતું કે ગંભીર સંઘર્ષ દ્વારા ઊભા થયેલા પડકારો છતાં, અમે સુનિશ્ચિત કર્યું કે લગભગ 22,500 ભારતીય નાગરિકો સુરક્ષિત રીતે ભારત પરત ફરી શક્યા. તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદીના નિર્દેશ પર અમે ઓપરેશન ગંગા શરૂ કર્યું, જે આ સંઘર્ષની પરિસ્થિતિ દરમિયાન હાથ ધરવામાં આવેલા સૌથી મુશ્કેલ ઓપરેશનમાંનું એક હતું. વિદેશ મંત્રીએ રાજ્યસભામાં જણાવ્યું કે ઓપરેશન ગંગા હેઠળ 90 ફ્લાઈટ્સ ઓપરેટ કરવામાં આવી છે, જેમાંથી 76 સિવિલિયન ફ્લાઈટ્સ અને 14 આઈએએફ ફ્લાઈટ્સ હતી.
ઇવેક્યુએશન ફ્લાઇટ્સ રોમાનિયા, પોલેન્ડ, હંગેરી અને સ્લોવાકિયાથી હતી. આ ઓપરેશનમાં ભારતીય વાયુસેનાએ પણ મદદ કરી હતી. એટલું જ નહીં, ઘણી ખાનગી એરલાઈન્સે પણ તેમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જયશંકરે કહ્યું કે અભિયાનની સમીક્ષા વડાપ્રધાન પોતે રોજે રોજ કરતા હતા. વિદેશ મંત્રાલયમાં, અમે 24/7 ધોરણે સ્થળાંતર કામગીરી પર નજર રાખી હતી.