
ત્રિપુરાની તમામ 60 બેઠકો માટે હાથ ધરાઈ રહેલા મતગણતરીમા શરૂઆતી વલણો આવવા માંડ્યા છે. મતદાનના શરૂઆતી વલણો અનુસાર, ફરી એકવાર ભાજપ બહુમતીના આંકડાને પાર કરવા અને સરકાર રચવા તરફ આગળ વધી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ત્રિપુરા વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે કુલ 259 ઉમેદવારો મેદાનમાં હતા. તેમાંથી ઘણા મોટા ચહેરા ચૂંટણી લડી રહ્યાં હતા. જેમા મુખ્ય પ્રધાન ડો. માણિક સાહા, કેન્દ્રીય પ્રધાન પ્રતિમા ભૌમિકથી લઈને નાયબ મુખ્ય પ્રધાન જિષ્ણુદેવ વર્મા સહીતના મોટા નેતાઓનુ ભાવિ દાવ પર છે. આ બધાના ભાગ્યનો પણ આજે નિર્ણય થશે. ચાલો ત્રિપુરાની પાંચ મહત્વની બેઠકોનું ગણિત જાણીએ …
1. ટાઉન બોર્ડોવાલી : મુખ્ય પ્રધાન ડો. માણિક સાહા પોતે પશ્ચિમ ત્રિપુરા જિલ્લામાં પડતી આ બેઠક પરથી મેદાનમાં હતા. ડો. માણિક સાહા, કોંગ્રેસ-ડાબેરી જોડાણના ઉમેદવાર આશિષ કુમાર સાહા સાથે સીધી સ્પર્ધા કરી રહ્યા છે.
2. ચારીલમ: રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન જિષ્ણુંદેવ વર્મા અહીંથી ચૂંટણી મેદાનમાં તેમનુ ભાગ્ય અજમાવી રહ્યાં છે. જિષ્ણુંદેવ સામે કોંગ્રેસ-ડાબેરી ગઠબંધનના ઉમેદવાર અશોક દેબબર્મા તેમનુ ભાગ્ય અજમાવી રહ્યાં છે. અશોક દેબબર્મા ત્રિપુરા કોંગ્રેસના મોટા નેતા છે.
3. ધનપુર: આ બેઠક પરથી કેન્દ્રીય મંત્રી પ્રતિમા ભૌમિક ચૂંટણી લડ્યા છે. પ્રતિમા ભૌમિક ત્રિપુરાની પ્રથમ એવા મહિલા છે જેમણે 75 વર્ષની સ્વતંત્રતા પછી કેન્દ્રીય પ્રધાન પદ સંભાળ્યું હોય. પ્રતિમા ભૌમિક ભારત સરકારના સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગના રાજ્યકક્ષાના પ્રધાન છે. તેઓ ત્રિપુરાની પ્રથમ કેન્દ્રીય પ્રધાન અને ઉત્તર પૂર્વની બીજી મહિલા કેન્દ્રીય પ્રધાન છે. પ્રતિમા ત્રિપુરા પશ્ચિમના લોકસભાના સાંસદ પણ છે.
4. સબરૂમ: આ વખતે કમ્યુનિસ્ટ પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધનના ઉમેદવાર જીતેન્દ્ર ચૌધરીને દક્ષિણ ત્રિપુરાની સબરૂમ વિધાનસભા બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા છે. જીતેન્દ્ર સીપીઆઈએમના સૌથી વરિષ્ઠ નેતા અને ત્રિપુરાના મુખ્ય પ્રધાન પદ માટેના સૌથી મજબૂત દાવેદાર છે. ભારતીય જનતા પાર્ટીએ શંકર રાયને જીતેન્દ્ર સામે તેમના ઉમેદવાર બનાવ્યા છે. આ બેઠકનું પરિણામ શુ આવે છે તેના પર સૌ કોઈની નજર મંડરાયેલી છે.
5. કૈલાશહર : ત્રિપુરા કોંગ્રેસનાપ્રમુખ બિરાજીત સિંહાએ આ વખતે ઉનાકોટી જિલ્લામાં સ્થિત કૈલાશહ બેઠક પરથી લડ્યા છે. ભાજપે બિરાજીત સિંહા સામે મોહમ્મદ મોબિશર અલીને મેદાનમાં ઉતાર્યા છે. અલી ત્રિપુરામાં ભાજપના ચૂંટણી લડતા બે મુસ્લિમ ચહેરાઓમાંથી એક છે.