ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં નિર્માણાધીન ટનલ તુટી જવાથી લગભગ 40 મજૂરો ટનલની અંદર ફસાઈ ગયા હતા. તેમને બચાવવા માટે છેલ્લા 6 દિવસથી સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જો કે હજુ સુધી કામદારોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા નથી.
પહેલા બે પ્રયાસો નિષ્ફળ ગયા બાદ રેસ્ક્યુ ટીમ ત્રીજા પ્રયાસમાં કામ કરી રહી છે અને આશા છે કે કામદારોને જલ્દી બચાવી લેવામાં આવશે. અંદર ફસાયેલા મજૂરો સાથે સતત સંપર્ક કરવામાં આવી રહ્યો છે અને તેમની સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ વિશે પૂછપરછ કરવામાં આવી રહી છે.
તમને જણાવી દઈએ કે કામદારોને બચાવવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને હાલમાં અમેરિકન ઓગર મશીનને ડ્રિલિંગ માટે તૈનાત કરવામાં આવ્યું છે. જોકે શુક્રવારે લગભગ 25 મીટર સુધી ખોદકામ કર્યા બાદ બચાવ કામગીરીમાં મોટો ફટકો પડ્યો હતો. મશીનના બેરિંગને નુકસાન થતાં કામગીરી અટકાવવી પડી હતી. કહેવામાં આવી રહ્યું છે કે 25 મીટર સુધી ડ્રિલિંગ કર્યા બાદ મશીન કોઈ ધાતુની વસ્તુ સાથે અથડાયું હતું. જે બાદ ડ્રિલિંગ બંધ કરી દેવામાં આવ્યું છે.
અધિકારીઓએ માહિતી આપી છે કે કટરની મદદથી મેટાલિક બ્લોકેજને દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે આ ટનલ ચારધામ પ્રોજેક્ટ હેઠળ બ્રહ્મખાલ અને યમુનોત્રી નેશનલ હાઈવે પર સિલ્ક્યારા અને દાંડલગાંવ વચ્ચે બનાવવામાં આવી રહી છે.
#WATCH | Uttarakhand: Uttarkashi tunnel rescue operation | Prime Minister’s Office (PMO) Deputy Secretary Mangesh Ghildiyal arrives at the spot. pic.twitter.com/B4rLsu8EIl
— ANI (@ANI) November 18, 2023
એરફોર્સ પણ ફસાયેલા મજૂરોને બચાવવા માટે લાગેલી છે અને સૌથી ભારે મશીનોને અહીં લઈ જવાનું કામ કરી રહી છે. આ 4.5 કિલોમીટર લાંબી ટનલ બનાવવામાં આવી રહી છે, જેનો એક ભાગ નિર્માણ કાર્ય દરમિયાન તૂટી પડ્યો હતો. આ દુર્ઘટના દિવાળીના દિવસે એટલે કે 12 નવેમ્બરના રોજ સવારે 4 વાગ્યે બની હતી. ત્યારથી, લગભગ 40 મજૂરો અહીં ફસાયેલા છે.
NHIDCLના ડાયરેક્ટર અંશુ મનીષે કહ્યું કે ઈન્દોરથી અન્ય હેવી ડ્યુટી મશીન એરલિફ્ટ કરવામાં આવ્યું છે જે શનિવારે સવારે સ્થળ પર પહોંચી શકે છે. ટનલ બનાવવા કરતાં પાઈપ નાખવામાં વધુ સમય લાગી રહ્યો હોવાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો. કારણ કે પાઈપો યોગ્ય રીતે ફિટ થાય અને તેમાં કોઈ તિરાડ ન રહી જાય તેનું ખાસ ધ્યાન રાખવું પડે છે.
નિષ્ણાતોએ અનુમાન લગાવ્યું છે કે ટનલ 60 મીટર સુધી તુટી ગઈ છે, જેમાંથી લગભગ 25 મીટરનું ડ્રિલિંગ કરવામાં આવ્યું છે. પીએમઓ, ગૃહ મંત્રાલય અને ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામી બચાવ કામગીરી પર નજર રાખી રહ્યા છે.
આ પણ વાંચો: ઉત્તરાખંડ ટનલ દુર્ઘટના: 24 મીટર ડ્રિલિંગ બાદ બંધ પડ્યું અર્થ ઓગર મશીન, બચાવ કામગીરી થઈ બંધ