બિહાર બાદ પશ્ચિમ બંગાળમાં રામ નવમીની શોભાયાત્રા દરમિયાન હિંસાની ઘટનાઓ ધટી હતી. બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમારે બિહારશરીફ અને સાસારામમાં રામ નવમીની શોભાયાત્રા દરમિયાન ફાટી નીકળેલી હિંસાને ધ્યાનમાં રાખીને અસામાજિક તત્વોને ઓળખવા અને કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે. હિંસામાં માર્યા ગયેલા વ્યક્તિના પરિવારને પાંચ લાખ એક્સ-ગ્રેશિયા રકમ આપવાનો પણ નિર્દેશ આપ્યો છે. નાલંદા જિલ્લામાં 4 એપ્રિલ સુધી પ્રશાસને ઇન્ટરનેટ સેવા બંધ કરી દીધી છે.તો બીજી બાજુ, બંગાળમાં પણ થયેલી હિંસા બાદ પોલીસે મોરચો સંભાળ્યો છે. જોકે અહીં ફાટી નીકળેલી હિંસામાં ભાજપના ધારાસભ્ય ઘાયલ થયા છે.
જણાવવામાં આવી રહ્યું છે કે વહીવટીતંત્ર દ્વારા રોહતાસ જિલ્લાની તમામ શૈક્ષણિક સંસ્થાઓને, આવતીકાલ 4 એપ્રિલ સુધી બંધ રાખવાની સૂચના આપવામાં આવી છે. વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ લોકોને ભડકાવનારા સમાચારોથી દૂર રહેવાની અપીલ કરી છે અને જો કોઈ અફવા ફેલાવતું હોય તો તરત જ વહીવટીતંત્રને જાણ કરવા જણાવ્યું છે. જિલ્લા પોલીસ આવા લોકો સામે કડક કાર્યવાહી કરશે. સાસારામ અને બિહાર શરીફમાં પોલીસે અત્યાર સુધીમાં 109 લોકોની ધરપકડ કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળના હુગલીમાં રામનવમીએ એક શોભાયાત્રા કાઢવામાં આવી રહ્યું હતું. ત્યારબાદ પથ્થરમારો અને આગચંપીનો બનાવ બન્યો હતો. આ શોભાયાત્રામાં ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ દિલીપ ઘોષે પણ ભાગ લીધો હતો. પરંતુ બીજેપી નેતા ત્યાંથી જતાની સાથે જ બંને જૂથ સામસામે આવી ગયા હતા. પહેલા બોલાચાલી થઈ અને પછી બંને જૂથોએ એકબીજા પર પથ્થરમારો શરૂ કર્યો. આ દરમિયાન આગજનીની ઘટના પણ સામે આવી છે. આ ઘટના બાદ રિસરાના કેટલાક વિસ્તારોમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. અહીં પણ 24 કલાક માટે ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.
પશ્ચિમ બંગાળમાં ફાટી નીકળેલી હિંસા અંગે રાજ્યપાલ સીવી આનંદ બોઝે કહ્યું છે કે આ ઘટના માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. કોઈપણ ભોગે હિંસાને સહન કરવામાં આવશે નહીં. ભાજપ અને ટીએમસીના નેતાઓ ઘટનાને લઈને એકબીજા પર આરોપો લગાવી રહ્યા છે. ભાજપે કહ્યું છે કે TMC રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે. આ શોભાયાત્રામાં ભાજપના ધારાસભ્ય બિમન ઘોષે પણ ભાગ લીધો હતો. પથ્થરમારાની ઘટનામાં ઘાયલ થતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…