અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં ભારત-ચીનના સૈનિકો વચ્ચે થયેલી અથડામણ બાદ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આજે સૈન્યની ત્રણેય પાંખના વડા સહીતની ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. આ બેઠકમાં ત્રણેય સેનાઓના વડા, ચીફ ઓફ ડિફેન્સ, વિદેશ મંત્રી એસ જયશંકર, વિદેશ સચિવ અને સંરક્ષણ સચિવ પણ ઉપસ્થિત રહ્યાં હતા. હવે સમાચાર આવ્યા છે કે, રાજનાથ સિંહ આજે બપોરે 12 વાગ્યે તવાંગ સેક્ટરમાં ભારત-ચીનના સૈનિકો વચ્ચે થયેલી અથડામણ મુદ્દે સંસદમાં નિવેદન આપશે. તવાંગ સેક્ટરમાં ગત 9 અને 11 ડિસેમ્બરે ભારત-ચીનના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ અથડામણમાં બંને દેશના સૈનિકો ઘાયલ થયા હતા.
ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ લેફ્ટનન્ટ જનરલ અનિલ ચૌહાણ (નિવૃત્ત) અને આર્મી ચીફ મનોજ મુકુંદ નરવણેએ ત્રણેય સેનાના વડાઓ સાથે રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી અને દેશની તમામ સરહદો પરની તાજેતરની સ્થિતિ વિશે જાણકારી આપી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, રક્ષા મંત્રી રાજનાથ સિંહ બપોરે 12 વાગ્યે તવાંગ અથડામણ પર સંસદમાં નિવેદન આપશે. કોંગ્રેસ, AAP, RJD અને AIMIM સહિત તમામ વિપક્ષી દળોએ આ મહત્વપૂર્ણ વિષય પર સંસદમાં ચર્ચા કરવાની માંગ ઉઠાવી છે. AAPના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ સંસદમાં સસ્પેન્શન નોટિસ દાખલ કરી છે. જ્યારે મનોજ ઝાએ પણ સંસદના નિયમ 267 હેઠળ નોટિસ આપીને ચર્ચાની માંગ કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત 9 ડિસેમ્બરે પેટ્રોલિંગ દરમિયાન, અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં ભારત અને ચીનની સેના સામસામે આવી ગઈ હતી. બન્ને દેશના સૈન્ય જવાનો વચ્ચે ઘર્ષણ થયું હતું. સમગ્ર વિવાદ ચીન તરફથી શરૂ થયો હતો. ત્યારબાદ ભારતીય સૈનિકોએ જવાબી કાર્યવાહી કરી હતી ચીનના 300 સૈનિકોને તેમની સરહદમાં પાછળ ઘકેલ્યા હતા. ચીન અરુણાચલ પ્રદેશના તવાંગને તિબેટનો જ એક ભાગ માનતુ આવ્યુ છે. જેનો ભારત ભારે વિરોધ કરીને અરુણાચલ પ્રદેશ સહીત પૂર્વ ભારતના રાજ્યો ભારતના જ અવિભાજ્ય અંગ હોવાનું સ્થાનિક અને આતંરરાષ્ટ્રીયસ્તરે કહેતુ આવ્યું છે.
Published On - 11:09 am, Tue, 13 December 22