રાજસ્થાન સહિત ચાર રાજ્યોના ચૂંટણીના પરિણામો આવતીકાલે (3-12- 2023) જાહેર થઈ રહ્યા છે. પરિણામ પહેલાની શું છે હલચલ અને શું કહી રહ્યા છે પ્રદેશના દિગ્ગજો તે જાણવાનો tv9 સંવાદદાતાએ પ્રયાસ કર્યો. રાજસ્થાન પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.પી. જોષીએ tv9 સાથેની વાતચીત દરમિયાન પ્રદેશમાં ભાજપ સરકાર બનાવશે તેવો દાવો કર્યો. સી.પી જોષીએ જણાવ્યુ પ્રદેશની 199 સીટ માંથી ભાજપ 135 પ્લસ બેઠકો જીતી રહી છે અને કોંગ્રેસને 50થી પણ વધુ બેઠકો નહીં મળે. રાજસ્થાનમાં ભાજપના મુખ્યમંત્રી પદના દાવેદાર ગણાતા સી.પી. જોષીએ તેઓ સીએમની રેસમાં હોવાનો પણ ઈનકાર કર્યો.
કેટલાક એક્ઝિટ પોલના સર્વે મુજબ રાજસ્થાનમાં હંગ એસેમ્બલી બનવાનુ અનુમાન છે. જો કે તેના પર સીપી જોષીએ જણાવ્યુ કે ભાજપને સ્પષ્ટ અને પ્રચંડ જનાદેશ મળી રહ્યો છે, જનતા જનાર્દન ભાજપની સાથે છે અને હંગ એસેમ્બલીનો તો કોઈ સવાલ જ નથી.
જો કે એક્ઝિટ પોલ આવ્યા બાદ બંને દિગ્ગજ પાર્ટી ભાજપ કોંગ્રેસ પોત પોતાની જીતના દાવા કરી રહી છે અને રાજકીય હલચલો પણ તેજ થઈ ગઈ છે.એક્ઝિટ પોલ આવ્યા બાદ પ્રદેશના વર્તમાન મુખ્યમંત્રી અશોક ગેહલોતે રાજ્યપાલ કલરાજ મિશ્રા સાથે મુલાકાત કરી તો પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ વસુંધરા રાજે સિંધિયાએ પણ રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી. રાજસ્થાનની રાજનીતિના આ બંને ધુરંધરોની ગર્વનર સાથેની મુલાકાતના અનેક રાજકીય સમીકરણ લગાવવામાં આવી રહ્યા છે. જો કે બંને નેતાઓએ ગવર્નર સાથેની મુલાકાતને માત્ર શુભેચ્છા મુલાકાત ગણાવી રહ્યા છે.
આ પણ વાંચો : ઈવીએમ અને વીવીપીએટીની મતગણતરીમાં તફાવત આવે તો કયા પરિણામને સાચુ માનવામાં આવશે? જાણો તે કેવી રીતે નક્કી થાય છે
જો કે એક્ઝિટ પોલ સામે આવ્યા બાદ રાજસ્થાનમાં દશકો બાદ પ્રથમવાર એવુ ચિત્ર સામે આવ્યુ છે જેમા રાજ્યમાં કોઈ સરકાર રિપીટ થતી જોવા મળી રહી હોય. જો એવુ થશે તો 24 કલાક રાજનીતિ કરનારા ગેહલોતની જાદુગરવાળી છબી વધુ મજબુત બનશે અને જો કોંગ્રેસ સ્પષ્ટ જનાદેશ નથી મેળવી શકતી અથવા તો ભાજપ પણ એ જાદુઈ આંકડા સુધી પહોંચવામાં સફળ સાબિત નથી થતી તો એ સ્થિતિમાં વસુંધરા રાજે અને અશોક ગેહલોત તેમની પાર્ટી માટે કેટલા સંકટમોચક સાબિત થશે તે જોવુ રહ્યુ.