કોંગ્રેસની 150 દિવસની ‘ભારત જોડો યાત્રા’ પર રહેલા રાહુલ ગાંધી(Rahul Gandhi)એ 10 સપ્ટેમ્બરે તમિલનાડુના કન્યાકુમારીમાં વિવાદાસ્પદ કેથોલિક પાદરી જ્યોર્જ પોન્નૈયા (George Ponnaiya) સાથે મુલાકાત કરી હતી. આ મીટિંગની એક વિડીયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ (Viral) થઈ રહી છે, જેમાં તેમના ઉશ્કેરણીજનક નિવેદનો માટે જાણીતા પાદરી પોન્નૈયા રાહુલ ગાંધીને સમજાવતા જોવા મળે છે કે માત્ર જીસસ ક્રાઈસ્ટ જ એક માત્ર વાસ્તવિક ભગવાન છે, કોઈ શક્તિ દેવી કે દેવતા ભગવાન નથી.
વાયરલ વીડિયોમાં, વિવાદાસ્પદ પાદરી જ્યોર્જ પોનૈયા રાહુલ ગાંધીની સામે ઈસુ ખ્રિસ્તને વાસ્તવિક ભગવાન કહેતા અને હિન્દુ દેવી-દેવતાઓને વાસ્તવિક ભગવાન તરીકે સ્વીકારવાનો ઇનકાર કરતા જોવા મળે છે. વાસ્તવમાં, રાહુલ ગાંધી પૂછે છે કે શું ઈસુ ખ્રિસ્ત ભગવાનનું સ્વરૂપ છે? શુ તે સાચુ છે? આના પર પાદરી જ્યોર્જ પોનૈયા આ વીડિયોમાં રાહુલ ગાંધીને સમજાવે છે કે ઈસુ ખ્રિસ્ત જ વાસ્તવિક ભગવાન છે, શક્તિ કે અન્ય દેવતાઓ નથી.
આપને જણાવી દઈએ કે આ પહેલા પણ જ્યોર્જ પોનૈયા પોતાના અનેક વિવાદાસ્પદ નિવેદનોને કારણે વિવાદમાં આવી ચુક્યા છે. ગયા વર્ષે જુલાઈમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ વિરુદ્ધ નફરતભર્યા ભાષણ આપવા બદલ મદુરાઈથી તેની ધરપકડ કરવામાં આવી હતી. રાહુલ ગાંધીએ ચર્ચ જઈ જ્યોર્જ પોનૈયા સાથે મુલાકાત કરી હતી. રાહુલ ગાંધી 150 દિવસની ભારત જોડો યાત્રા પર છે. જો કે આ રાહુલની આ વિવાદી પાદરી સાથેની મુલાકાતને લઈને ભાજપ-કોંગ્રેસ આમને સામને ગયા છે.
રાહુલ ગાંધીની પૂજારી સાથેની મુલાકાત અને હિન્દુ દેવી-દેવતાઓના અપમાનની વીડિયો ક્લિપને લઈને ભાજપે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. ભાજપના પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ કહ્યું કે રાહુલ ગાંધીનું નફરત જોડો અભિયાન છે. આજે તેમણે જ્યોર્જ પોનૈયા જેવા વ્યક્તિને ભારત જોડો યાત્રાનો પોસ્ટર બોય બનાવ્યો છે, જેમણે હિંદુઓને પડકાર ફેંક્યો, ધમકી આપી અને ભારત માતા વિશે અયોગ્ય વાતો કરી. કોંગ્રેસનો હિંદુ વિરોધી હોવાનો લાંબો ઈતિહાસ રહ્યો છે.
સાથે જ કોંગ્રેસે આ વીડિયોને ભાજપની કરામત સમાન ગણાવ્યો છે. રાહુલ ગાંધી અને તમિલ પાદરી જ્યોર્જ પોનૈયાના વાઈરલ થયેલા વીડિયો પર કોંગ્રેસના જયરામ રમેશે કહ્યું કે, ભાજપની હેટ ફેક્ટરી એક ખરાબ ટ્વીટ વાયરલ કરવાનો પ્રયાસ કરી રહી છે. ઓડિયોમાં જે રેકોર્ડ કરવામાં આવ્યુ છે તેની સાથે તેને કોઈ લેવાદેવા નથી. ભાજપ ભારત જોડો યાત્રાની સફળ શરૂઆત અને લોકો તરફથી મળી રહેલ સમર્થન જોઈને નિરાશ થઈ છે.