કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોંગ્રેસ પાર્ટીના સંમેલનને સંબોધિત કરતી વખતે ઈમોશનલ કાર્ડ રમ્યું હતું. તેમણે 1977નો એક કિસ્સો સંભળાવ્યો, જેને સાંભળીને તેમની માતા સોનિયા ગાંધી પણ ભાવુક થઈ ગયા. રાહુલે કહ્યું કે હું 52 વર્ષનો છું, પરંતુ આજે પણ મારી પાસે મારું પોતાનું ઘર નથી. આ વાત સમજાવવા તેણે એક જૂની ઘટનાનો સહારો લીધો. રાહુલે કહ્યું, ‘આ 1977ની વાત છે. હું નાનો હતો. દેશમાં ચૂંટણી થવાની હતી. હું ઘરે પહોંચ્યો ત્યારે વિચિત્ર વાતાવરણ હતું. જ્યારે મેં મારી માતાને પૂછ્યું તો તેણે કહ્યું કે આપણે ઘર છોડીને જઈ રહ્યા છીએ.
રાહુલે આગળ કહ્યું, ‘ત્યાં સુધી મને લાગતું હતું કે આ ઘર અમારૂ છે. જ્યારે મેં ઘર છોડવાનું કારણ પૂછ્યું તો મમ્મીએ મને પહેલીવાર કહ્યું કે આ ઘર આપણું નથી. આ સરકારનું ઘર છે. આપણે અહીંથી જવું પડશે. જ્યારે મેં પૂછ્યું કે ક્યાં જવું છે, તો તેણે કહ્યું કે મને ખબર નથી. આજે તેને 52 વર્ષ થયા છે. આજે પણ અમારી પાસે પોતાનું ઘર નથી.
રાહુલ ગાંધીએ રવિવારે કહ્યું કે જ્યાં સુધી અદાણી ગ્રૂપ સાથે સંબંધિત મામલાની સત્યતા સામે નહીં આવે ત્યાં સુધી તેમની પાર્ટી પ્રશ્નો પૂછતી રહેશે. પાર્ટીના 85માં અધિવેશનમાં પોતાના સંબોધન દરમિયાન તેમણે આરોપ લગાવ્યો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉદ્યોગપતિ ગૌતમ અદાણી એક જ છે. ભવિષ્યમાં “ભારત જોડો યાત્રા” જેવા અન્ય કાર્યક્રમનો સંકેત આપતા રાહુલ ગાંધીએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને “તપસ્યા”નો કાર્યક્રમ બનાવવા કહ્યું જેમાં તમામ લોકો ભાગ લે. જ્યારે ભાજપ-આરએસએસના લોકો “સત્તાગ્રહી” છે.
અદાણી કેસનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે અદાણી અને મોદી એક છે અને તમામ પૈસા એક વ્યક્તિ પાસે જાય છે. તેમણે કહ્યું, “સંસદની કાર્યવાહીમાંથી અમારા શબ્દો હટાવવામાં આવ્યા હતા. અમે પ્રશ્નો પૂછતા રહીશું. અમે એક વાર નહીં, પરંતુ હજારો વખત પ્રશ્નો પૂછીશું. જ્યાં સુધી અદાણીજીનું સત્ય બહાર નહીં આવે ત્યાં સુધી અમે પ્રશ્નો પૂછતા રહીશું. ”
રાહુલ ગાંધીએ સંમેલનમાં કહ્યું કે નરેન્દ્ર મોદીએ માત્ર 15-20 ભાજપના લોકો સાથે શ્રીનગરમાં તિરંગો ફરકાવ્યો હતો, પરંતુ અમે કાશ્મીરના લાખો યુવાનો દ્વારા તિરંગો ફરકાવ્યો. ચીનના સંદર્ભમાં વિદેશ મંત્રી એસ. જયશંકરના એક નિવેદનને ટાંકીને તેમણે કહ્યું હતું કે, જો તમે તમારાથી નબળા લોકો સાથે જ લડો તો તેને કાયરતા કહેવાય, તે રાષ્ટ્રવાદ નથી.