મંગળવારે ગૃહની કાર્યવાહી દરમિયાન રાષ્ટ્રપતિના સંબોધન પર ચર્ચા થઈ રહી હતી. આ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અદાણી ગ્રુપ પર લાગેલા આરોપો અંગે વિગતવાર ચર્ચા કરી હતી. ગૃહમાં રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર જોરદાર નિશાન સાધ્યું હતું. રાહુલે પોતાના ભાષણ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ લઈને અદાણી ગ્રુપની તરફેણ કરવાનો આરોપ લગાવ્યો. કેન્દ્રીય કાયદા મંત્રી કિરણ રિજીજુએ સરકાર વતી ઉભા થઈને રાહુલ ગાંધીનું ભાષણ અધવચ્ચે જ અટકાવ્યું હતું.
તેમણે કહ્યુ કે, આ મહત્વની કાર્યવાહી પર ગૃહમાં ચર્ચા થઈ રહી છે, આ સ્થિતિમાં ગૃહના સભ્યોએ ખૂબ જ જવાબદારી પૂર્વક બોલવું જોઈએ. રાહુલના ભાષણ દરમિયાન રિજિજુએ કહ્યું, અહીં રાષ્ટ્રપતિના સંબોધનને લઈને ગંભીર ચર્ચા ચાલી રહી છે. સભ્ય જે પણ વાત કરે તે તેમણે પૂરી જવાબદારી સાથે કરવી જોઈએ.
તેઓ કોઈપણ તર્ક વગર આવા આક્ષેપો કરી રહ્યા છે. તેનો કોઈ અર્થ નથી. તેઓએ દલીલો કરવી પડશે, સંપૂર્ણ દસ્તાવેજ પુરાવા અહીં આપવા પડશે. તેમણે અંતે કહ્યું, અહીંની ગંભીરતાને સમજો. આ પછી પણ રાહુલ ગાંધીએ પોતાનું ભાષણ ચાલુ રાખ્યું. રિજિજુની આ વાત પર રાહુલ ગાંધીએ કહ્યુ કે, તેઓ સાબિતી પણ આપશે.
રાહુલના ભાષણ દરમિયાન રિજિજુ ફરી એકવાર ઉભા થયા અને રાહુલ ગાંધીને અટકાવતા કહ્યું, રાહુલ, હવે તમે વરિષ્ઠ સાંસદ બની ગયા છો, અમે અપેક્ષા રાખીએ છીએ કે તમે આ ગૃહના સભ્ય તરીકે જે પણ બોલો તે ગંભીરતાથી બોલો. ભારત જોડો યાત્રા દરમિયાન છેલ્લા લગભગ 4 મહિનાથી રાહુલ ગાંધી મૂડીવાદીઓને લઈને કેન્દ્રની મોદી સરકાર પર સતત નિશાન સાધી રહ્યા છે.
રાહુલ ગાંધીએ ઘણી વખત જાહેર સભાઓમાં અદાણી અને અંબાણીના નામ લીધા છે. તેના પર કિરણ રિજિજુએ તેમને ગૃહમાં કહ્યું કે, તમે બહાર જે પણ ભાષણ આપો તેને અમે રોકી શકીએ નહીં, પરંતુ ગૃહમાં જે પણ બોલાય તે પૂરી ગંભીરતા અને પુરાવા સાથે બોલવું જોઈએ.
જોકે રાહુલ ગાંધીએ ગૃહની મંજૂરી બાદ પોતાનું ભાષણ ચાલુ રાખ્યું હતું અને પીએમ મોદી પર ઘણા ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. આ દરમિયાન, તેમણે અદાણી જૂથ પર લાગેલા આરોપોને પુનરાવર્તિત કર્યા અને પૂછ્યું કે ગૌતમ અદાણી 2014 પછી અચાનક આટલા બધા વ્યવસાયોમાં કેવી રીતે ગયા અને વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં આટલા ઉંચા આવ્યા.