રાહુલ ગાંધી દેશને બદનામ કરે છે, તેમના મગજમાં હજુ પેગાસસ છે : અનુરાગ ઠાકુર

કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે કહ્યું, 'પીએમ મોદીના નેતૃત્વમાં સમગ્ર વિશ્વમાં ભારતનું સન્માન વધ્યું છે અને આ બાબત વિશ્વના અન્ય મોટા નેતાઓ કહી રહ્યા છે. રાહુલ ગાંધી વિદેશમાં જઈને ભારત વિશે બોલતા પહેલા એક વાર ઈટાલીના પીએમની વાત સાંભળી હોત તો સારુ થાત.

રાહુલ ગાંધી દેશને બદનામ કરે છે, તેમના મગજમાં હજુ પેગાસસ છે : અનુરાગ ઠાકુર
| Edited By: | Updated on: Mar 03, 2023 | 11:56 AM

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ લંડનની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં પોતાના ભાષણમાં પેગાસસ કેસને લઈને સરકાર પર પ્રહાર કર્યા હતા. આના પર કેન્દ્રીય પ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા અનુરાગ ઠાકુરે વળતો જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે, રાહુલ ગાંધી ફરી એકવાર વિદેશની ધરતી પર હોબાળો મચાવવાનું કામ કરી રહ્યા છે. પેગાસસ તેમના મગજમાં છે. પીએમ મોદીના નેતૃત્વમાં વિશ્વમાં ભારતનું સન્માન વધ્યું છે અને મોટા નેતાઓ આ વાત કહી રહ્યા છે. રાહુલ ગાંધીએ ભારત વિશે વાત કરતા પહેલા એકવાર ઈટાલીના પીએમને સાંભળ્યા હોત તો સારુ.

તેમણે કહ્યું, ‘વિદેશની ધરતી પર પીએમ અને દેશને બદનામ કરવાની રાહુલ ગાંધીની આદત બની ગઈ છે. ક્યારેક તેઓ જાતે કરે છે, તો ક્યારેક તેઓ તેમના વિદેશી મિત્રો પાસે કરાવે છે. જ્યારે દરેક ચૂંટણીમાં કોંગ્રેસનો સફાયો થઈ રહ્યો છે… દેશમાં તેમને કોઈ સ્વીકારતુ નથી… આવી સ્થિતિમાં તેઓ વિદેશમાં જઈને ખોટુ બોલી રહ્યાં છે. અને કોર્ટ-સંસદમાં માફી માંગી લે છે. રાહુલ હજુ જામીન પર મુક્ત છે. દેશને એવા વડાપ્રધાન મળ્યાં છે જેઓ મહિલાઓ, મજૂરો, ગરીબોના કલ્યાણ વિશે વિચારી રહ્યાં છે. વિદેશમાં ફસાયેલા ભારતીયોને પરત લાવી રહ્યાં છે. આપત્તિમાં અન્ય દેશોને મદદ કરે છે. આ એક મજબૂત ભારત છે.

વિશ્વમાં ભારતનું સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર – અનુરાગ ઠાકુર

અનુરાગ ઠાકુરે વધુમાં એમ પણ કહ્યું, ‘ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે. ભારતમાં રેકોર્ડ FDI આવી રહ્યું છે. રાહુલ ગાંધી મીડિયાને પણ બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આટલું જ નહીં, તેઓ દેશની બંધારણીય સંસ્થાઓ અને ન્યાયતંત્રને બદનામ કરવાનુ અને બાદમાં કોર્ટમાં માફી માંગવાની કોઈ તક છોડતા નથી. સાથે જ તેમણે મમતા બેનર્જી પર કહ્યું કે, ‘અલગ-અલગ વિચારધારા ધરાવતા પક્ષોના ગઠબંધનને ઠગબંધન કહેવામાં કોઈ ખોટુ નથી.

મારા ફોનમાં પેગાસસ હતું – રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ કેમ્બ્રિજ જજ બિઝનેસ સ્કૂલ (કેમ્બ્રિજ જેબીએસ)માં કહ્યું હતું કે, ‘મારા પોતાના ફોનમાં પેગાસસ હતું. દેશના ઘણા મોટા નેતાઓના ફોનમાં પણ પેગાસસ હતા. ઘણા ગુપ્તચર અધિકારીઓએ મને ફોન કરીને સલાહ આપી હતી કે, તમારો ફોન સર્વેલન્સ પર છે. તેથી ફોન પર વાતચીત કરતા ધ્યાન રાખજો. વિપક્ષી નેતાઓના ફોન સતત ટેપ થઈ રહ્યા છે. પેગાસસ મુદ્દે તેઓ આ પહેલા પણ ઘણી વખત સરકારને ઘેરી ચૂક્યા છે. મીડિયા અને ન્યાયતંત્રને નિયંત્રિત કરવામાં આવી રહ્યું છે તેમ પણ તેમણે કેમ્બ્રિજ જજ બિઝનેસ સ્કૂલમાં કહ્યું હતું.