Punjab: લુધિયાણા કોર્ટ પરિસરમાં શંકાસ્પદ બ્લાસ્ટ, મહિલા સહિત બે લોકોના મોત, CM ચન્ની કરશે ઘટનાસ્થળની મુલાકાત

|

Dec 23, 2021 | 1:42 PM

રિપોર્ટ અનુસાર આ શંકાસ્પદ બ્લાસ્ટ કોર્ટના ત્રીજા માળે થયો હતો. પોલીસ કોર્ટ સંકુલમાં પહોંચી ગઈ છે અને ઘાયલોને હોસ્પિટલમાં મોકલવામાં આવી રહ્યા છે.

પંજાબની  લુધિયાણા જિલ્લા કોર્ટ (Ludhiana Court)  પરિસરમાં ગુરુવારે બપોરે જોરદાર વિસ્ફોટ થયો હતો, જેમાં એક મહિલા સહિત બે લોકોના મોત થયા હતા. તે જ સમયે, વિસ્ફોટમાં ઓછામાં ઓછા 4 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. રિપોર્ટ અનુસાર આ શંકાસ્પદ બ્લાસ્ટ કોર્ટના ત્રીજા માળે થયો હતો. ઘટનાની માહિતી મળતા જ પોલીસ કોર્ટ સંકુલમાં પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. ઘાયલોને હોસ્પિટલમાં મોકલવામાં આવી રહ્યા છે.

સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ લુધિયાણાની જિલ્લા અદાલતના ત્રીજા માળે 9 નંબરની કોર્ટ પાસે સ્થિત એક વોશરૂમમાં બોમ્બ વિસ્ફોટ થયો હતો, જેમાં બે લોકોના મોતની પુષ્ટિ થઈ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે વિસ્ફોટ એટલો જોરદાર હતો કે આખી ઈમારત ધ્રૂજી ગઈ. સ્થળ પર અરાજકતાનો માહોલ સર્જાયો હતો.

મળતી માહિતી મુજબ ફોરેન્સિક ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. બ્લાસ્ટને કારણે ગ્રાઉન્ડ ફ્લોર પર પાર્ક કરાયેલા કેટલાય વાહનોને પણ નુકસાન થયું હતું. પોલીસે જણાવ્યું કે વિસ્ફોટ કોર્ટ પરિસરમાં ત્યારે થયો જ્યારે જિલ્લા કોર્ટની કાર્યવાહી ચાલી રહી હતી. પોલીસે વિસ્તારને કોર્ડન કરી લીધો છે અને ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

વિસ્ફોટ બાદ પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ કહ્યું કે તેઓ લુધિયાણા જઈ રહ્યા છે અને સ્થળ પર પ્ર માહિતી મેળવશે. તેમણે કહ્યું, “પંજાબનું વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ચૂંટણી આવતા જ કેટલાક રાષ્ટ્રવિરોધી તત્વો આવી ઘટનાઓને અંજામ આપતા હોય છે. સરકાર એલર્ટ પર છે. આ મામલામાં દોષિતોને બક્ષવામાં આવશે નહીં.”

આ પણ વાંચો : શું હૃતિક રોશન હોલીવુડ એક્ટ્રેસ સામંથા લોકવુડ સાથે કોઈ મોટો પ્રોજેક્ટ કરી રહ્યો છે? જુઓ તસ્વીર

આ પણ વાંચો : કામની વાત : NRI બાળકના આધાર કાર્ડ માટે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે ? અહીં જાણો શું છે નિયમો

Published On - 1:09 pm, Thu, 23 December 21

Next Video