આર્મી ચીફ જનરલ એમએમ નરવણેની (MM Naravane) જમ્મુ કાશ્મીરની બે દિવસીય યાત્રા સંપન્ન કરીને, દિલ્હી પરત ફર્યા બાદ સેનાના જવાનોએ ભટ્ટા દુરિયા અને તેની આસપાસના જંગલોમાં છુપાયેલા શંકાસ્પદ આતંકવાદીઓ પર અંતિમ હુમલાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. શંકાસ્પદ આતંકવાદીઓ પૂંછ જિલ્લાના મેંઢરના જંગલોમાં છુપાયેલા હોઈ શકે છે. સેનાના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે તેમણે સ્થાનિક ગ્રામજનોને તેમના ઘરે પરત ફરવા અને આતંકવાદીઓ સામે ચાલી રહેલા ઓપરેશન દરમિયાન નાગરિકોને કોઈ નુકસાન ન થાય તે માટે ઘરની અંદર રહેવાની અપીલ કરી છે.
આ અંગે માહિતી આપતાં ગ્રામજનોએ કહ્યું કે મસ્જિદોના લાઉડસ્પીકર્સ દ્વારા કરવામાં આવેલી અપીલમાં તેમને કહેવામાં આવ્યું હતું કે તેઓ જે પણ કામ કરી રહ્યા છે તે છોડીને તરત જ તેમના બાળકો અને પશુઓ સાથે તેમના ઘરે પરત ફરે. આતંકવાદીઓનો ખાત્મો બોલાવવા માટે સેનાએ જંગલ વિસ્તારોને રાત્રી દરમિયાન પણ પ્રકાશિત કરવા માટે લાઇટયુક્ત બોમ્બ લગાવ્યા છે. આ સાથે પેરા કમાન્ડો, ડ્રોન અને હેલિકોપ્ટર સાથે જવાનોને પણ તહેનાત કરવામાં આવ્યા છે. પોલીસ અને સેનાએ વિસ્તારને ઘેરી લીધો છે જેથી કોઈ આતંકવાદી નાસી ન શકે. સૂત્રોએ જણાવ્યું કે ગત શનિવારે સવારથી આતંકીઓ વિશે કશું મળ્યું નથી. ભારતીય સૈનિકો જંગલની અંદર શોધખોળ કરી રહ્યા છે.
લોકોને મસ્જિદોમાંથી મુનાદી દ્વારા અપાઈ ચેતવણી
સેનાના અધિકારીઓએ જણાવ્યું હતું કે ભટ્ટા દુરિયા અને તેની આસપાસના વિસ્તારોની મસ્જિદોમાંથી મુનાદી દ્વારા લોકોને ચેતવણી આપીને સતર્ક કરવામાં આવ્યા છે. સુરક્ષા દળો પૂંછ જિલ્લાના મેંઢરના જંગલ વિસ્તારમાં છુપાયેલા આતંકવાદીઓ સામે સ્ટ્રાઈક કરવાની તૈયારી કરી રહ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, લોકોએ સૈન્ય અભિયાનને ધ્યાનમાં રાખીને જંગલ વિસ્તારમાં ન જવા અને પોતાના ઢોરને ઘરમાં રાખવા પણ કહેવામાં આવ્યું છે. અધિકારીઓએ કહ્યું કે જે લોકો બહાર ગયા હતા તેમને પશુઓ સાથે ઘરે પરત ફરવાનું કહેવામાં આવ્યું છે. પૂંચના સુરનકોટ વિસ્તારમાં 11 ઓક્ટોબરથી શરૂ થયેલા એન્કાઉન્ટરમાં જેસીઓ સહિત પાંચ સેનાના જવાનો શહીદ થયા હતા.
સેના પ્રમુખે લીધી જમ્મુ કાશ્મીરની મુલાકાત
સેના પ્રમુખ જનરલ એમએમ નરવણે સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે જમ્મુ ક્ષેત્રની બે દિવસની મુલાકાતે હતા. આ દરમિયાન, ‘વ્હાઈટ નાઈટ કોર્પ્સ’ના જનરલ ઓફિસર કમાન્ડિંગ (GOC) એ તેમને સુરક્ષા પરિસ્થિતિ અને ઓપરેશનલ તૈયારીઓ વિશે માહિતી આપી. ઉલ્લેખનીય છે કે, રવિવારે જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં આતંકવાદીઓ દ્વારા બે બિન-સ્થાનિક મજૂરોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી અને એક ઘાયલ થયો હતો. જમ્મુ-કાશ્મીરમાં 24 કલાકથી ઓછા સમયમાં બિન-સ્થાનિક મજૂરો પર આ ત્રીજો હુમલો હતો.