
વડા પ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે દેશભરના 40 થી વધુ જિલ્લાઓના વરિષ્ઠ અધિકારીઓ સાથે વર્ચ્યુઅલ બેઠક કરશે જ્યાં COVID-19 રસીકરણની કામગીરી પ્રમાણમાં ઓછી થઈ છે. મળતી માહિતી મુજબ, આજ 3 નવેમ્બરે બપોરે 12 વાગ્યે યોજાનારી બેઠકમાં ઘણા મુખ્યમંત્રીઓ પણ હાજરી આપે તેવી શક્યતા છે. વડા પ્રધાન કાર્યાલય (PMO) દ્વારા જાહેર કરાયેલા એક યાદી અનુસાર, બેઠકનું પ્રાથમિક ધ્યાન એવા જિલ્લાઓ પર રહેશે જ્યાં પુખ્ત વસ્તીના 50 % કરતા ઓછા લોકોએ રસીનો ઓછામાં ઓછો એક ડોઝ મેળવ્યો છે તેમજ બીજા ડોઝ માટે રસીકરણ ખુબ ઓછું થયુ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી, ઝારખંડ, મણિપુર, નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર, મેઘાલયના ઓછા રસીકરણ ધરાવતા 40 થી વધુ જિલ્લાઓના જિલ્લા મેજિસ્ટ્રેટ સાથે વાતચીત કરશે. આ રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ આ બેઠક પર હાજર રહેશે. આ સિવાય, CoWIN પોર્ટલ પર ઉપલબ્ધ ડેટા અનુસાર, ભારતમાં અત્યાર સુધીમાં કુલ 106.88 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. હાલ પણ દેશમાં કોરોના રસીકરણ અભિયાન મોટા પાયે ચાલુ છે.
ભારતનું કોરોના રસીકરણના ડોઝનો આંક 106 કરોડને વટાવી ગયો
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારતમાં કોરોના રસીકરણનો આંક 106 કરોડ (106,79,85,487) ને વટાવી ગયો છે. 1 નવેમ્બરના રોજ સાંજે 7 વાગ્યા સુધી રસીના 47 લાખ (47,79,920) ડોઝથી વધુ આપવામાં આવ્યા હતા. દૈનિક રસીકરણ રિપોર્ટ તૈયાર થતાં આંકડો વધુ વધવાની ધારણા છે. સોમવારે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે ભારતની 78 ટકા વસ્તીને કોવિડ-19 રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે, જ્યારે 38 ટકા લોકોને બંને ડોઝ મળ્યા છે.
છેલ્લા 259 દિવસમાં કોરોનાના સૌથી ઓછા નવા કેસ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, દેશમાં છેલ્લા 259 દિવસમાં કોરોનાના સૌથી ઓછા 10,423 નવા કેસ મંગળવારે નોંધાયા છે, જ્યારે સક્રિય દર્દીઓની સંખ્યા ઘટીને 1,53,776 થઈ છે. કુલ સંખ્યા દેશમાં સંક્રમણથી પ્રભાવિત લોકોની સંખ્યા વધીને 3,42,96,237 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કોરોના મહામારીને કારણે 443 લોકોના મોત થયા છે. આ સાથે જ રોગચાળાથી કુલ મૃત્યુઆંક 4,58,880 થયો છે.
કોરોનામાંથી રિકવરી રેટ 98.21 ટકા છે
મંત્રાલયે કહ્યું કે, સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા સંક્રમણના કુલ કેસો 0.45 ટકા છે, જે માર્ચ 2020 પછી સૌથી ઓછા છે, જ્યારે કોરોનામાંથી સાજા થવાનો દર 98.21 ટકા છે, જે ગયા વર્ષના માર્ચ પછી સૌથી વધુ છે. દૈનિક સંક્રમણનો દર 1.03 ટકા નોંધાયો હતો. જે છેલ્લા 29 દિવસથી બે ટકાથી ઓછો છે. સાપ્તાહિક સંક્રમણ દર પણ 1.16 ટકા નોંધાયો હતો, જે છેલ્લા 39 દિવસથી બે ટકાથી નીચે રહ્યો છે.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ