વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેલંગાણાને વંદે ભારત ટ્રેનની મોટી ભેટ આપશે. PM આજે સિકંદરાબાદથી વિશાખાપટ્ટનમને જોડતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી દર્શાવીને પ્રસ્થાન કરાવશે. સિકંદરાબાદથી વિશાખાપટ્ટનમને જોડતી આ ટ્રેન પોંગલના શુભ અવસર પર શરૂ થઈ રહી છે. પીએમના વખાણ કરતા કેન્દ્રીય રેલ્વે પ્રધાન અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, હું આ વર્લ્ડ ક્લાસ ટ્રેન આપવા માટે પીએમ મોદીનો આભાર માનું છું. વંદે ભારત ટ્રેન બે તેલુગુ ભાષી રાજ્યના લોકોને જોડશે.
રેલવે મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ નવી વંદે ભારત ટ્રેનનું સંચાલન 16 જાન્યુઆરીથી શરૂ થશે, જોકે બુકિંગ શનિવારથી જ શરૂ થઈ ગયું છે. દક્ષિણ મધ્ય રેલવે (SCR) મુજબ, વિશાખાપટ્ટનમ-સિકંદરાબાદ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન વિશાખાપટ્ટનમથી સવારે 5:45 વાગ્યે ઉપડશે અને બપોરે 2:15 વાગ્યે સિકંદરાબાદ પહોંચશે. જ્યારે, સિકંદરાબાદ-વિશાખાપટ્ટનમ વંદે ભારત ટ્રેન સિકંદરાબાદથી બપોરે 3 વાગ્યે ઉપડશે અને રાત્રે 11.30 વાગ્યે વિશાખાપટ્ટનમ પહોંચશે. તે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ, રાજમુન્દ્રી અને વિજયવાડા સ્ટેશનોએ અને તેલંગાણામાં ખમ્મમ, વારંગલ અને સિકંદરાબાદ સ્ટેશનો પર સ્ટોપેજ હશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ ટ્રેન ભારતીય રેલવે દ્વારા રજૂ કરવામાં આવનાર આઠમી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન છે. લગભગ 700 કિમીનું અંતર કાપતી આ ટ્રેન બે તેલુગુ ભાષી રાજ્યો તેલંગાણા અને આંધ્રપ્રદેશને જોડનારી પ્રથમ હશે. વંદે ભારત એક્સપ્રેસ સ્વદેશી રીતે ડિઝાઇન કરવામાં આવી છે. આ ટ્રેન અત્યાધુનિક પેસેન્જર સુવિધાઓથી સજ્જ છે. તે રેલ મુસાફરોને ઝડપી, વધુ આરામદાયક અને વધુ અનુકૂળ મુસાફરીનો અનુભવ પ્રદાન કરશે.