પાડોશી દેશ ચીનમાં કોરોના વિસ્ફોટ વચ્ચે ભારતમાં પણ સંક્રમણ ફેલાવાનો ખતરો છે. અહીં આરોગ્ય વિભાગે લોકોને સાવચેતી રાખવાની સલાહ આપતા એડવાઈઝરી જાહેર કરી દીધી છે. હવે સંક્રમણના વધતા જોખમ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બપોરે એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. આ દરમિયાન કોરોના અને સંબંધિત પાસાઓ પર ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ પણ ભાગ લેશે. કહેવામાં આવી રહ્યું છે કે, આ બેઠકમાં સ્વાસ્થ્ય મંત્રી અને મંત્રાલયના અન્ય વરિષ્ઠ અધિકારીઓ હાજર રહેશે. PMએ આ બેઠક ત્યારે બોલાવી છે
જ્યારે દેશમાં Omicronના BF.7 સબ-વેરિયન્ટના 4 કેસની પુષ્ટિ થઈ છે. ચેપના આ પ્રકારને કારણે ચીનમાં સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બપોરે 3.30 વાગ્યે કોરોનાની સ્થિતિને લઈને મોટી બેઠક યોજશે.સરકાર સામે બે મોટા પડકારો છે.એક તો બહારથી અને ખાસ કરીને ચીનથી આવતી ફ્લાઈટને લઈને આ સમયે કેવો નિર્ણય લેવાનો છે.બીજું એ કે જે પ્રકારે ચીનમાં હોબાળો મચાવ્યો છે તે વેરિઅન્ટ ભારતમાં મળી ચૂક્યો છે, તો આ વેરિઅન્ટ કેટલો ખતરનાક બની શકે છે. તેને કેવી રીતે રોકવો? અને જો આગામી દિવસોમાં ચેપ ફેલાશે અને દર્દીઓની સંખ્યા વધશે તો ભારત સરકાર અને રાજ્ય સરકારો કેટલી તૈયાર છે?
ચીનમાં કોરોના વાયરસના વધતા જતા કેસોએ ભારતને એલર્ટ મોડ પર મૂકી દીધું છે. કેન્દ્ર સરકાર દ્વારા સ્થાનિક સ્થિતિની સમીક્ષા કરવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ બુધવારે દેશમાં કોવિડ-19ની સ્થિતિ અંગે ટોચના અધિકારીઓ અને નિષ્ણાતો સાથે બેઠક યોજી હતી. કોવિડ સમીક્ષા બેઠકમાં નિષ્ણાતોએ જણાવ્યું હતું કે અત્યાર સુધી કોવિડ કેસોની એકંદર સંખ્યામાં કોઈ વધારો થયો નથી, પરંતુ હાલના વાતાવરણ પર નજર રાખવા માટે સતત દેખરેખની જરૂર છે.
કોવિડના કેસોમાં વધારો થવાના ભય વચ્ચે, ઉત્તર પ્રદેશ સરકારે બુધવારે રાજ્યભરમાં એલર્ટ જાહેર કરીને તૈયારીઓ વધારી દીધી છે. નાયબ મુખ્યમંત્રી બ્રિજેશ પાઠકે રાજ્યના તમામ ચીફ મેડિકલ ઓફિસરો અને મેડિકલ એજ્યુકેશન વિભાગના અધિકારીઓને સાવચેતી રાખવા સૂચના આપી છે. તેમણે એરપોર્ટ પર મોનિટરિંગ વધારવાની સૂચના આપી છે અને એ પણ કહ્યું છે કે જે લોકો ચેપગ્રસ્ત દેશમાં મુસાફરી કરીને પાછા આવી રહ્યા છે, તેમના પર નજર રાખવામાં આવે.
ચીનમાં હાહાકાર મચાવનાર કોરોનાનો નવો વેરિઅન્ટથી ગુજરાત સરકાર સતર્ક થઈ છે. કારણકે આ નવા વેરિઅન્ટના ત્રણ કેસ ગુજરાતમાં નોંધાઈ ચૂક્યા છે. જોકે હાલ ઓમિક્રોના BF.7 વેરિઅન્ટના એકપણ એક્ટિવ કેસ રાજ્યમાં નથી. જુલાઇથી અત્યાર સુધીમાં BF.7 વેરિઅન્ટના અમદાવાદ અને વડોદરા મળીને કુલ 3 કેસ નોંધાયા હતા.
Published On - 9:51 am, Thu, 22 December 22