દેશને મળી ગયા છે 15મા રાષ્ટ્રપતિ (President) તરીકે દ્રૌપદી મુર્મૂ. (Draupadi Murmu)મોડી સાંજે રાષ્ટ્રપતિ પદ માટે યોજાયેલી ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે. એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂએ ઈતિહાસ રચી દીધો છે. દ્રૌપદી મુર્મૂ દેશના પ્રથમ આદિવાસી અને બીજા મહિલા રાષ્ટ્રપતિ બન્યા છે. દ્રૌપદી મુર્મૂએ સંયુક્ત વિપક્ષના ઉમેદવાર યશવંત સિન્હાને હરાવ્યા છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દ્રૌપદી મુર્મૂને ત્રણ રાઉન્ડની ગણતરી બાદ કુલ 5 લાખ 77 હજાર 77 મત મળ્યા છે. એટલે કે દ્રૌપદી મુર્મૂને 50 ટકાથી વધુ મત મળી ગયા છે. જ્યારે વિપક્ષી ઉમેદવાર યશવંત સિન્હાને અત્યાર સુધી 2 લાખ 61 હજાર 62 મત મળ્યા છે. દ્રોપદી મૂર્મુ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવતા ભાજપમાં જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે. દ્રોપદી મૂર્મુના ગામ રાયરંગપુરમાં પણ જશ્નનો માહોલ છવાઈ ગયો છે.
વડાપ્રધાન મોદી, અમિત શાહ, જેપી નડ્ડાએ પાઠવી શુભેચ્છા
ભાજપ સમર્થિત NDA ઉમેદવાર દ્રોપદી મૂર્મુ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિજયી બન્યા છે, ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI) દ્રોપદી મૂર્મુને મળ્યા અને તેમને શુભેચ્છાઓ પાઠવી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ – જેપી નડ્ડા પણ દ્રોપદી મૂર્મુને શુભેચ્છાઓ પાઠવી છે. વડાપ્રધાન મોદી ટ્વીટ કરીને લખ્યું કે ભારતે ઈતિહાસ રચી દીધો છે.. આદિવાસી સમુદાયના પુત્રી દેશના રાષ્ટ્રપતિ તરીકે પસંદગી પામ્યા છે. મૂર્મુનું જીવન સંઘર્ષથી ભરેલું છે, તેમનાથી દેશના લોકોને પ્રેરણા મળશે. વડાપ્રધાને ટ્વીટમાં જણાવ્યું કે દ્રોપદી મૂર્મુ દેશના નાગરિકો માટે ખાસ કરીને ગરીબ અને પછાત વર્ગના લોકો માટે એક આશા છે.વડાપ્રધાન મોદીએ કહ્યું કે દ્રોપદી મૂર્મુ ઉત્કૃષ્ટ ધારાસભ્ય અને મંત્રી રહ્યા છે. ઝારખંડના રાજ્યપાલ તરીકે તેમનો કાર્યકાળ ઉત્તમ રહ્યો હતો. મને ખાતરી છે કે તેઓ એક ઉત્કૃષ્ટ રાષ્ટ્રપતિ સાબિત થશે અને ભારતની વિકાસ યાત્રાને મજબૂત બનાવશે. હું તમામ પાર્ટીના સાંસદો અને ધારાસભ્યોનો આભાર માનું છું કે જેમણે દ્રોપદી મૂર્મુની ઉમેદવારીને ટેકો આપ્યો છે.
યશવંત સિન્હાએ આપ્યા અભિનંદન
બીજી તરફ વિપક્ષના રાષ્ટ્રપતિના પદના ઉમેદવાર યશવંત સિન્હાએ વિજયી થવા બદલ દ્રોપદી મૂર્મુને ટ્વીટ કરીને અભિનંદન પાઠવ્યા છે. આ સિવાય દેશના કેન્દ્રિય સંરક્ષણ મંત્રી – રાજનાથ સિંહે પણ તેમને શુભેચ્છાઓ પાઠવી છે.
દ્રૌપદી મૂર્મુના વતનમાં જશ્નનો માહોલ
આ તરફ NDAના ઉમેદવાર દ્રૌપદી મૂર્મુ રાષ્ટ્રપતિની ચૂંટણી જંગી બહુમતિથી જીતી જતા દેશભરમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યા. દિલ્લીથી લઈને ઓડિશા, ઝારખંડ, ભૂવનેશ્વર સહિતના રાજ્યોમાં અને શહેરોમાં ભાજપ અને એનડીએના કાર્યકર્તાઓએ ઉજવણી કરી. મૂર્મુના ગામ અને તેઓ જે કોલેજમાં અભ્યાસ કરતા હતા તે કોલેજ પણ ઉજવણી કરી. ક્યાંક ફડાકડા ફોડીને તો ક્યાં મીઠાઈ ખવડાવી. અબીલ ગુલાલ અને પરંપરાગત ડાન્સથી ઉજવણી કરવામાં આવી.
Published On - 11:03 pm, Thu, 21 July 22