
પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાનની વિરુદ્ધ કડક નિર્ણય કર્યા છે. જેમા પાકિસ્તાની હવાતિયા સ્પષ્ટ જોવા મળી રહી છે. પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફે આજે તાબડતોબ નેશનલ સિક્યોરિટી કમિટી (NSC)ની બેઠક બોલાવી. જેમાં 22 એપ્રિલે પહલગામમાં થયેલા હુમલા બાદ ઉભી થયેલી સ્થિતિ અને ભારતની કાર્યવાહી પર ચર્ચા કરવામાં આવી. આ બેઠક બાદ પાકિસ્તાને અનેક નિર્ણયો કર્યા છે.
પાકિસ્તાની નેશનલ સિક્યોરિટી કમિટીએ ભારત દ્વારા સિંધુ જળ સંધિ રોકવા માટેના પગલાને સંપૂર્ણ રીતે વખોડ્યુ છે. પાકિસ્તાને કહ્યુ કે આ એક આંતરરાષ્ટ્રીય સંધિ છે, જેને ભારત એકલુ રદ ન કરી શકે. આ પાકિસ્તાનની 240 કરોડની જનતા માટે જીવાદોરી સમાન છે. તેના પર કોઈ સમજૂતિ નહીં થાય. આ સાથે જ પાકિસ્તાને ધમકીના સૂરમાં કહ્યુ કે ભારતે પાકિસ્તાનના હિસ્સાનું પાણી રોક્યુ કે ડાયવર્ટ કર્યુ તો તેને યુદ્ધની કાર્યવાહી માનવામાં આવશે અને તેનો સંપૂર્ણ તાકાત સાથે જવાબ આપવામાં આવશે.
પાકિસ્તાને ભારત પર આરોપ લગાવ્યો કે આ આંતરાષ્ટ્રીય નિયમો અને યુએના પ્રસ્તાવોનો ભંગ છે. પાકિસ્તાનની અંદર આતંકવાદ ફેલાવે છે. કાશ્મીર પર ગેરકાયદે કબજો કરી લોકો પર અત્યાચાર કરે છે. પાકિસ્તાને કહ્યુ કે સિમલા સમજૂતિ સહિત ભારત સાથે કરવામાં આવેલા તમામ દ્વીપક્ષીય કરારોને રદ કરવાનો અધિકાર સુરક્ષિત રાખે છે.
પાકિસ્તાને દાવો કર્યો છે કે તેની સેના સંપૂર્ણ રીતે તૈયાર છે અને દેશની સંપ્રભુતા, સુરક્ષા અને સન્માનની રક્ષા માટે કંઈપણ કરવા તૈયાર છે.