પાકિસ્તાન સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, ઈમરાન ખાનને ઝટકો, 9 એપ્રિલે અવિશ્વાસના પ્રસ્તાવ પર થશે વોટીંગ
આ ઉપરાંત કોર્ટે નેશનલ એસેમ્બલી પણ પુનઃસ્થાપિત કરી છે. આનો સીધો અર્થ એ થયો કે ઈમરાન ખાનને આખરે નેશનલ એસેમ્બલીમાં અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરવો પડશે. સુપ્રીમ કોર્ટે 9 એપ્રિલે અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન કરવાનો આદેશ આપ્યો છે.
Pakistan Supreme Court
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને ( Former Prime Minister of Pakistan Imran Khan) સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. તેમનો પેંતરો કામમાં ન આવ્યો અને સુપ્રીમ કોર્ટે અવિશ્વાસ પ્રસ્તાવને ફગાવી દેવાના નિર્ણયને ગેરબંધારણીય જાહેર કર્યો છે. ગુરુવારે, 5 જજોની મોટી બેન્ચે સર્વસંમતિથી નેશનલ એસેમ્બલીના ડેપ્યુટી સ્પીકરના નિર્ણયને ગેરબંધારણીય ગણાવ્યો હતો, જેમાં વિપક્ષ દ્વારા લાવવામાં આવેલ અવિશ્વાસ પ્રસ્તાવને ફગાવી દેવામાં આવ્યો હતો. આ સિવાય કોર્ટે નેશનલ એસેમ્બલી પણ પુનઃસ્થાપિત કરી છે. આનો સીધો અર્થ એ થયો કે ઈમરાન ખાનને આખરે નેશનલ એસેમ્બલીમાં અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરવો પડશે. સુપ્રીમ કોર્ટે 9 એપ્રિલે અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન કરવાનો આદેશ આપ્યો છે.
નિર્ણય પહેલા આવો હતો કોર્ટ પરીસરનો માહોલ
સુપ્રીમ કોર્ટની સુનાવણી પહેલા કોર્ટ પરિસરની અંદર અને બહાર સુરક્ષા વધારી દેવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટમાં કોઈને પણ પ્રવેશવા દેવામાં આવી રહ્યા ન હતા. મામલાની ગંભીરતાને જોતા કોર્ટની અંદર રેન્જર્સ તૈનાત કરવામાં આવ્યા. કોર્ટ રૂમના તમામ દરવાજા બંધ કરી દેવામાં આવ્યા. કોર્ટરૂમની અંદર વકીલો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. તેમજ સુપ્રીમ કોર્ટના જજે તમામ ફાઈલો મંગાવી છે. બેંચના તમામ જજ આ મામલે વાત પણ કરી રહ્યા હતા.
9 એપ્રિલે થશે વોટીંગ
પાકિસ્તાનમાં 9 એપ્રિલે સવારે 11 વાગ્યે અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન થશે. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ પાકિસ્તાનની સંસદ ફરી પુનઃસ્થાપિત કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બેન્ચે સર્વસંમતિથી પોતાનો નિર્ણય સંભળાવ્યો છે.
પાકિસ્તાનની સંસદ પર નજર કરીએ તો નેશનલ એસેમ્બલીમાં 342 સીટો છે. પાકિસ્તાનની સત્તા મેળવવા માટે 172 બેઠકો મેળવવી જરૂરી છે. પાકિસ્તાનમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે ઈમરાન પાસે 142 સાંસદો છે જ્યારે વિપક્ષ પાસે 199 સાંસદોની બહુમતી છે.
Published On - 9:09 pm, Thu, 7 April 22